ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉદ્વવાચના


ઉદ્વાચના (Misreading) : પોલ દ માન, હિલિસ મિલર વગેરે વિરચનવાદીઓ દ્વારા ‘ઉદ્વાચના’નો સિદ્ધાન્ત પુરસ્કારાયો છે. એમનું માનવું છે કે સાહિત્યિક ભાષાની વિશેષતા ઉદ્વાચના (Misreading) અને ઉદર્થઘટન (Misinterpretation)ની શક્યતામાં રહેલી છે. પોલ દ માનને મતે બધાં જ અર્થઘટનો ઉદ્વાચનાઓ છે જ્યારે હિલિસ મિલરને મતે બધાં જ અર્થઘટનો ઉદર્થઘટનો છે. સર્જક કે વિવેચક દ્વારા થયેલી કૃતિ અંગેની કોઈપણ વાચના કૃતિને નિયંત્રિત કે સીમિત કરવામાં છેવટે તો અસમર્થ રહે છે. એટલેકે સર્જક યા વિવેચક એની પોતાની કે અન્યની કૃતિની ‘વાચના’ કરી શકતા નથી. પરિણામે સબળ કે નિર્બળ ઉદ્વાચના જ હોઈ શકે. અર્થઘટન ન તો કૃતિના ‘મૂળ’ અર્થ સુધી પહોંચે છે ન તો બધી જ વાચનાઓને સમાવી લે છે. આથી ઉદ્વાચના જ અવશિષ્ટ રહે છે. ચં.ટો.