ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકાંકી


એકાંકી(One act play) : એકાંકી સંજ્ઞા અંગ્રેજી ‘વન એક્ટ પ્લે’ના પર્યાય તરીકે ગુજરાતીમાં રૂઢ થઈ છે. અહીં ‘એક’નો અર્થ ‘એકત્વ’ એવો લઈએ તો એની સાથે સંકળાયેલો સંખ્યાનો સંકેત આપોઆપ રદ થઈ જાય છે. ‘એક્ટ’ સાથે રહેલું પ્રસ્તુતીકરણનું તત્ત્વ આ સ્વરૂપ સાથે પૂરેપૂરું બંધ બેસે છે. ‘લઘુનાટક’ જેવી સંજ્ઞા પણ ક્યાંક ક્યાંક પ્રયોજાતી રહી છે. સંસ્કૃત રૂપકો, ભાણ, લોકનાટ્યજન્ય વેશો, ધર્મપ્રચારાર્થે રજૂ થતા પાશ્ચાત્ય બોધપ્રસંગો, ‘મિસ્ટરિઝ’, ‘મોરેલિટિઝ’, ‘મિરેકલ્સ’ જેવી રચનાઓમાં એકાંકીનું પુરસ્સન્ધાન જોઈ શકાય. યુરોપમાં મુખ્ય નાટક પૂર્વે ભજવાતાં ‘કર્ટન રેઈઝર’ અને અંતે ભજવાતાં ‘આફટર પીસ’માંથી આવાં લઘુ નાટકો ઉદ્ભવ્યાં હોવાની સંભાવના છે. આમાંથી એકાંકીસ્વરૂપનો ઉદ્ભવ એક સ્વાયત્ત, સ્વતંત્ર પ્રસ્તુતીકરણની કલા તરીકે થયો. એ બધી પૂર્વપરંપરા કરતાં એકાંકીનું સ્વરૂપ ઘણું નોખું અને આગવું છે. લઘુ કદને કારણે એમાં અનાવશ્યક કશું ખપી ન શકે. નવલિકાની જેમ એ પણ લાઘવને અપેક્ષે છે. આ લાઘવ સઘનતાથી પુષ્ટ હોવું ઘટે. પાત્ર, સંવાદ, મંચસજ્જા આદિમાં કશુંજ વધારાનું ન લાવી શકાય. આ ચુસ્ત, એકત્વપૂર્ણ કલાસ્વરૂપ છે. એમાં એક સ્થળ એક દૃશ્યની સંયોજના જ ઇષ્ટ. હા, ક્વચિત્ એમાં બાંધછોડ હોઈ શકે પણ તે પેલી છેવટની એકત્વપૂર્ણ અસર ને અખિલાઈને ભોગે નહીં. સંઘર્ષલક્ષી, કટોકટીજન્ય વસ્તુ વિશેષ ઇષ્ટ. ઉઘાડ, આરોહ, પરાકાષ્ઠા, અવરોહ અને અંતનાં રૂઢ પગથિયાં નાટકની જેમ અનિવાર્ય નહીં. પરાકાષ્ઠા પાસે પણ કૃતિ અટકી શકે. કશીક કટોકટીપૂર્ણ ક્ષણ કૃતિને માટે ચાલના બની શકે. ભાષાનાં વર્ણનકથન આદિ તત્ત્વો ઓછાં ઉપયોગી. પ્રત્યક્ષ સંવાદતત્ત્વ અને સંવાદ, એકોક્તિ, સ્વગતોક્તિ અને સમૂહભાષ્ય જેવી પદ્ધતિઓનો એમાં આવશ્યકતા અનુસાર વિનિયોગ થાય. આરંભ-મધ્ય-અંતની ચુસ્તી પણ અનિવાર્ય. આરંભ અને અંત ચમત્કૃતિયુક્ત હોય તો આકર્ષક લાગે, પણ એ યે અનિવાર્ય નહીં. ચરિત્રો એકાંકીમાં ઝાઝાં ન ખૂલી શકે. ચરિત્રની એકાદ રેખા, એની સંકુલતા હોઈ શકે. એ દૃષ્ટિએ પણ એ ટૂંકી વાર્તાની લાક્ષણિકતાઓની જોડાજોડ બેસે. આ બધું કમઠાણ દૃશ્યાત્મકતા, પ્રત્યક્ષતા નિર્માણ કરવામાં ઉપયોગમાં લેવાનું રહે. લઘુ સ્વરૂપ સાંકેતિકતા, સઘનતાને વિશેષ અપેક્ષે. વળી, આવી સાંકેતિકતા દૃશ્યને અને અભિનયને વિશેષ અવકાશ આપે એવી અપેક્ષા પણ રહે. ભાષાનું માધ્યમ એકાંકીમાં આવું ગૌણત્વ ધારણ કરે છે. વાચિક અને આહાર્ય કરતાં આંગિકનું મૂલ્ય એકાંકીમાં વિશેષ છે. આહાર્ય સામગ્રી પણ સાંકેતિકતાનું મૂલ્ય ઊભું કરી શકે. આ બધી સામગ્રી, લાક્ષણિકતાઓ અનેકાંકી નાટકમાં પણ હોય જ પરંતુ એકાંકીમાં એ વિશેષ સઘન થઈને ચુસ્ત રૂપે આવે. વિશ્વનાટ્યસાહિત્યમાં લગભગ સમાંતરે રહીને લઘુનાટકોએ વિશેષ કલાભિમુખતાનાં નિદર્શનો પૂરાં પાડ્યાં છે. સ.વ્યા.