ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એશિયાટિક


એશિયાટિક (સેન્ટ્રલ) લાઇબ્રેરી : ૧૮૦૪માં લિટરરી સોસાયટી તરીકે સ્થપાયેલી એશિયાટિક સોસાયટીએ કેટલાક ખ્યાતનામ ગ્રન્થસંગ્રાહક દાક્તરો પાસેથી એમના ગ્રન્થભંડારો ખરીદીને ૧૮૦૫માં સેન્ટ્રલ લાઇબ્રેરીની મુંબઈમાં સ્થાપના કરેલી. જે પછીથી મુંબઈના મોટાભાગના ગવર્નરોના ગ્રીક, લેટિન અને ઇટાલિયન ભાષાના ગ્રન્થો ધરાવતાં અંગત પુસ્તકાલયોના ઉમેરણથી વિસ્તાર અને વિકાસ પામતી રહી છે. ભારત સરકાર તરફથી આ ગ્રન્થાલયને પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રોના સંગ્રહ અને સારસંભાળની કામગીરી સોંપાતાં ભારતની પ્રમુખ ભાષાઓનાં ગ્રન્થો, સામયિકો અને વર્તમાનપત્રોનો વિપુલ સંચય સેન્ટ્રલ લાઇબ્રેરીને સાંપડ્યો છે. આ સંદર્ભે સેન્ટ્રલ લાઇબ્રેરી સંશોધન-સંપાદનકાર્ય કરનારા વિદ્વાન વાચકોને મહત્ત્વપૂર્ણ સેવા પૂરી પાડે છે. પ્રમુખ ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજી, ગ્રીક, લેટિન, જર્મન, ઇટાલિયન, ફ્રેન્ચ, અરબી, ફારસી જેવી અંતરરાષ્ટ્રીય ભાષાઓનાં વિરલ પુસ્તકોથી સુસજ્જ આ ગ્રન્થાલય પશ્ચિમભારતમાં આગવું સ્થાન ધરાવે છે. ર.ર.દ.