ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઐતિહાસિક ભાષાવિજ્ઞાન


ઐતિહાસિક ભાષાવિજ્ઞાન(Historical Linguistics) : કોઈપણ ભાષાનું અથવા એની વ્યવસ્થાનું ઐતિહાસિક સંદર્ભમાં અધ્યયન કરતી ભાષાવિજ્ઞાનની એક શાખા. ઐતિહાસિક ભાષાવિજ્ઞાનમાં કોઈપણ બે અથવા બેથી વધુ કાળમાં એક જ ભાષાનું જે સ્વરૂપ અસ્તિત્વમાં હતું અથવા જુદી જુદી ભાષાઓનું જે સ્વરૂપ હતું તેની તુલના કરવામાં આવે છે. અથવા કોઈ એક સમયથી વર્તમાનકાળ સુધી ભાષાની રચનામાં કઈ રીતે પરિવર્તનો આવ્યાં તેનું અધ્યયન કરવામાં આવે છે. વર્ણનાત્મક ભાષાવિજ્ઞાન, તુલનાત્મક ભાષાવિજ્ઞાન વગેરે ભાષાનું વર્તમાન અથવા સમકાલિક(Synchronic) સ્વરૂપ મહત્ત્વનું છે એટલે એને સમકાલિક ભાષાવિજ્ઞાન પણ કહેવામાં આવે છે જ્યારે ઐતિહાસિક ભાષાવિજ્ઞાન કાલક્રમિક (Diachronic) ભાષાવિજ્ઞાન કહેવાય છે. હ.ત્રિ.