ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથા અને વૃત્તાન્ત


કથા અને વૃત્તાન્ત : રામનારાયણ વિ. પાઠકે એમના વિવેચનગ્રન્થ ‘સાહિત્યાલોક’માં કથાને શરીર અને વૃત્તાન્તને હાડપિંજર ગણ્યું છે. છતાં કથાનું છેવટનું સફાઈદાર રૂપ મુખ્યત્વે તેના વૃત્તાન્તના હાડપિંજરને આધારે રહેલું હોય છે એવું પણ સ્વીકાર્યું છે. ઉચિત વૃત્તાન્ત કે બનાવો કલ્પવાની શક્તિને એમણે આગળ ધરી છે અને ઉમેર્યું છે કે ઉચ્ચ અધિકારીની પણ આ વૃત્તાન્ત વિશેની રસેન્દ્રિય મંદ નથી હોતી. અલબત્ત, ઘણા વાચકો કથામાં વૃત્તાન્તથી વિશેષ કશુંક માણી શકતા નથી એ રસિકતાની મર્યાદા છે એવું એમણે સાથે સાથે સ્પષ્ટ કર્યું છે. ચં.ટો.