ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલ્પના અને તરંગ


કલ્પના અને તરંગ : સાહિત્યિકૃતિમાં કલ્પના અને પ્રતીકનું મહત્ત્વ સર્વસ્વીકૃત છે. આ બંનેના મૂળમાં સર્જકની કલ્પનાશક્તિ રહેલી છે. પરંતુ બધી કૃતિઓમાં મૌલિક કલ્પના ન પણ હોય, કેટલીક કૃતિઓમાં સામાન્ય તરંગો હોય છે. કલ્પના સર્જકની ચેતનાના ઊંડાણમાંથી પ્રસ્રવે છે અને ટકાઉ હોય છે. કલ્પનાને સ્થિર જલપ્રવાહ કહીએ તો તરંગને બુદ્બુદ કહી શકાય. બંને વચ્ચેનો ભેદ સમજાઈ જાય છે. કોલરિજે ‘બાયોગ્રાફિયા લિટારારિયા’ના તેરમા પ્રકરણમાં ‘કલ્પના’ના બે ભેદો પાડ્યા છે. એક ‘પ્રાથમિક (પ્રાયમરી) કલ્પના અને બીજી ‘દ્વૈતીયિક’(સેકન્ડરી) કલ્પના. કોલરિજ પ્રાથમિક કલ્પનાને માનવજ્ઞાનનું મુખ્ય સાધન માને છે, આ કલ્પના સાર્વભૌમિક છે. દ્વૈતીયિક કલ્પનામાં માનવઇચ્છાનું પ્રવર્તન છે. એ પરસ્પર વિરોધી તત્ત્વોમાં પણ અન્વિતિ લાવે છે, એક નવા જ આકારનું સર્જન કરે છે. સર્જકકલાકારની એ વિશિષ્ટ શક્તિ છે. કલ્પનાનું આ વિશિષ્ટ સ્વરૂપ છે. કોલરિજ એને Esemplastic Imagination કહે છે. આ શક્તિ દ્વારા કલાકાર સૃષ્ટિના પદાર્થોનું પુન :સર્જન કરે છે. આ કલ્પના સહૃદય-સંવિદમાં ચમત્કૃતિ જન્માવે છે, જે આનંદપર્યવસાયી નીવડે છે. કલ્પનાના આ બે ભેદોનું વિવરણ કરતાં ડબ્લ્યુ. એચ. ઓડને કહ્યું છે કે પ્રાથમિક કલ્પનાને કેવળ પવિત્ર સત્ત્વો અને પવિત્ર ઘટનાઓની સાથે લાગેવળગે છે. દ્વૈતીયિક કલ્પના બીજા જ સ્વરૂપની છે અને કોઈ બીજી જ માનસિક કક્ષા પર છે. તે સક્રિય છે, નિષ્ક્રિય નહિ અને એની શ્રેણીઓ તે પવિત્ર અને અપવિત્ર નથી, પણ સુંદર અને વિરૂપ છે. પ્રાથમિક કલ્પના ફક્ત એક પ્રકારના (પવિત્ર) સત્ત્વને ઓળખે છે પરંતુ દ્વૈતીયિક કલ્પના સુંદર અને વિરૂપ એમ ઉભય આકારોને ઓળખે છે. દ્વૈતીયિક કલ્પના સામાજિક છે અને અન્ય માનસો સાથે એકમતી માટે ઝંખે છે. ઓડન દરેક કાવ્યનું મૂળ કલ્પનામય પ્રભાવચકિતતામાં રહેલું જુએ છે. સાહિત્યકૃતિમાં કલ્પનાનું મહત્ત્વ આ રીતે વિવાદાતીત છે. ‘ફેન્સી’ અને ‘ઇમેજિનેશન’ આ બે પારિભાષિક સંજ્ઞાઓ અંગ્રેજી સૈદ્ધાન્તિક વિવેચનમાં પ્લેટોએરિસ્ટોટલના સમયથી ચર્ચાતી આવી છે. ફિલિપ સિડની, હોબ્ઝ, ડ્રાયડન, જ્હોન લોકે, પ્રિસ્ટલી, બ્લેઈક, જ્હોનસન વગેરે. એ આ બે સંજ્ઞાઓ વિશે વિચારવિમર્શ કર્યા છે. સામાન્ય મત એવો રહ્યો છે કે આ બંને સમાનાર્થ ન હોય તો પણ બંને લગભગ એક જ વસ્તુ છે, બંને વચ્ચે એટલું બધું મળતાપણું છે. વર્ડ્ઝવર્થે તો તરંગને સર્જનાત્મક શક્તિ કહી હતી પણ અત્યાર સુધીની વિચારણામાં કોલરિજનું વિશ્લેષણ સર્વસ્વીકૃત નીવડ્યું છે. કોલરિજનું પ્રતિપાદન એ છે કે કલ્પના અને તરંગ બંને નોખી અને વ્યાપક રીતે જુદા પ્રકારની શક્તિઓ છે. સામાન્ય માન્યતા એવી છે કે આ બે ચીજોમાં નામોનું જ ભિન્નત્વ છે બાકી ચીજ એક જ છે અથવા તો બંને વચ્ચે સ્તરનો જ ભેદ છે એનું કોલરિજે ખંડન કર્યું અને બંનેનું પૃથક્ત્વ દર્શાવ્યું. એ બાબતમાં મતભેદ નથી કે કલ્પના એ ઉચ્ચ પ્રકારની સર્જકશક્તિ છે, અનુભવને રૂપાન્તરિત કરે છે, જ્યારે તરંગ બહુ બહુ તો કલ્પનાને એક પ્રકારની સહાય કરનારું તત્ત્વ છે. ર.જો.