ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિતા


કવિતા (Poetry) જુઓ, કાવ્ય


કવિતા : માત્ર કવિતા અને કાવ્યવિવેચન પ્રગટ કરતું, સુરેશ દલાલ સંપાદિત, જન્મભૂમિ ટ્રસ્ટ-મુંબઈનું ૧૯૬૭થી પ્રકાશિત થતું દ્વૈમાસિક. આ સામયિકે ઉત્તમ કાગળ પર સુઘડ છપાઈથી કવિતા છાપવા સાથે ‘અમરવેલ’, ‘કાવ્યનો પથ’, ‘અંતરની ઓળખ’, ‘છાંદસી’, ‘સંકલન’, ‘આમ કવિતા મ્હોરે છે’, ‘મારી પ્રિય કવિતા’ અને ‘સમાનુભૂતિની ક્ષણો’ જેવા સ્થાયી વિભાગો આપ્યા છે. જેમાં કાવ્યાસ્વાદ, કાવ્યસિદ્ધાન્ત, કવિચર્યા અને કવિતાનાં ઘટકતત્ત્વો વિશે થયેલી ચર્ચા-વિચારણા દ્વારા ગુજરાતી કવિતા વાચકવગી બની છે. પૂર્વપ્રકાશિત અંકોમાંથી પસંદ કરેલી કૃતિઓનો સંચય, પૂર્વપ્રસિદ્ધ પુરસ્કૃત કૃતિઓનો સંચય, કવિના હસ્તાક્ષરમાં કવિપ્રિય કવિતા, બાલકવિતા, સોનેટસંચય, વિશ્વકવિતાઅનુવાદઅંક, કવિછબી વિશેષાંક, ગીત-ગઝલ વિશેષાંક વગેરે વિશેષાંકો દ્વારા સંપાદકે મૂળ સામગ્રીનો વૈવિધ્યપૂર્ણ ઉપયોગ કર્યો છે. ર.ર.દ.