ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્ય હેતુ


કાવ્યહેતુ : કવિ કે સર્જકની જે સજ્જતાનો કાવ્યરચનામાં કારણ રૂપે કે ઉપાદાન રૂપે વિનિયોગ થતો હોય તે કાવ્યહેતુ કહેવાય છે. મુખ્યત્વે કાવ્યના ત્રણ હેતુઓ માનવામાં આવ્યા છે. પ્રતિભા (અથવા મમ્મટ પ્રમાણે શક્તિ), વિદ્વત્તા અને અભ્યાસ. કવિની નવનવોન્મેષશાલિની બુદ્ધિને પ્રતિભા કહેવામાં આવે છે. મમ્મટ કહે છે તેમ, આના વગર કાવ્ય નીપજે જ નહીં અને નીપજે તો, ઉપહાસાસ્પદ ઠરે. વ્યુત્પત્તિ (નિપુણતા) અથવા વિદ્વત્તામાં શાસ્ત્ર અને કાવ્યનું અનુશીલન ઉપરાંત લોકવ્યવહારનું નિરીક્ષણ પણ સમાવિષ્ટ છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં છંદશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, દર્શન, વ્યાકરણ, શબ્દકોશ, નૃત્ય વગેરે કલાઓ, કામશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, ન્યાય, ધનુર્વેદ તેમજ પશુશાસ્ત્ર વગેરેનો સમાવેશ વ્યુત્યત્તિમાં કરવામાં આવે છે. વ્યુત્પત્તિની કોઈ સીમા નથી. કાવ્યરચનાની વારંવાર પ્રવૃત્તિ તે અભ્યાસ. અભ્યાસમાં કાવ્યનિર્માણનાં તત્ત્વો જાણનારી વ્યક્તિઓના સાહચર્યનો પણ સમાવેશ થાય છે. કાવ્યજ્ઞની સૂચના પ્રમાણે કાવ્યસર્જન કરવાને ઇચ્છુક કવિએ અભ્યાસ કરવો જોઈએ. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કાવ્યહેતુઓ વિશે વિસ્તૃત વિચારણા કરવામાં આવી છે. કાવ્યરચનાનું કારણ કેવળ પ્રતિભા જ છે અને વ્યુત્પત્તિ અને અભ્યાસ એ કેવળ કાવ્યને સંસ્કારનારાં તત્ત્વો છે. આવો વિચાર ધરાવનારાઓમાં રાજશેખર, હેમચન્દ્ર, જયદેવ, જગન્નાથ વગરેનો સમાવેશ થાય છે. આ આચાર્યો Poets are born, not madeમાં માનનારા ગણી શકાય. પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ ત્રણેને કાવ્યસર્જનમાં સમાન રીતે કારણભૂત માનનારાઓના વર્ગમાં રુદ્રટ, મમ્મટ જેવાઓનો સમાવેશ કરી શકાય. તેઓ Poets are born as well madeમાં માનનારા કહી શકાય. ભામહના મત પ્રમાણે જડ બુદ્ધિવાળાઓ પણ ગુરુ પાસેથી શાસ્ત્ર શીખી શકે છે. પણ કાવ્ય તો પ્રતિભાથી જ નીપજે છે. સાથે સાથે વ્યાકરણ, છંદ, કોશ, અર્થ, ઇતિહાસાશ્રિત કથાઓ, લોકવ્યવહાર, તર્કશાસ્ત્ર, કલાઓ વગેરેનો પણ અભ્યાસ જરૂરી છે. દંડી પ્રતિભા, અધ્યયન અને અભ્યાસ ત્રણેને સમાન રૂપે કાવ્યહેતુ માને છે. દંડી એમ પણ કહે છે કે પ્રતિભા ન હોય તોપણ, વ્યુત્પત્તિ, અભ્યાસથી પણ કાવ્યરચના સંભવી શકે છે. વામન કાવ્યાંગ કે કાવ્યહેતુ રૂપે લોક, વિદ્યા, તેમજ અન્ય પ્રકીર્ણ બાબતોને માને છે. રુદ્રટ પણ હેતુત્રયમાં માને છે. આનંદવર્ધન પ્રતિભાને વિશેષ મહત્ત્વ આપતા જણાય છે. પ્રતિભા હોય તો, વ્યુત્પત્તિના અભાવમાં ઉત્પન્ન થતા દોષો પણ ઢંકાઈ જાય છે અને પ્રતિભા ન હોય તો દોષો ઝટ દેખાઈ આવે છે. રાજશેખર પ્રતિભા અને વ્યુત્પત્તિ બંનેને હેતુભૂત માને છે. પ્રતિભા અને વ્યુત્પત્તિ એ બંનેથી યુક્ત કવિ જ કવિ કહેવાય છે. રાજશેખરે કવિત્વની આઠ જનનીઓ : સ્વાસ્થ્ય, પ્રતિભા, અભ્યાસ, ભક્તિ, વિદ્વત્કથા, બહુશ્રુતતા, સ્મૃતિદૃઢતા અને અનિર્વેદ ગણાવે છે. મમ્મટ પ્રતિભાને શક્તિ શબ્દથી ઓળખાવે છે અને ત્રણે કાવ્યસર્જનમાં કારણભૂત માને છે. બીજા એક આલંકારિક કહે છે તેમ કવિત્વ-કવિતા પ્રતિભાથી જન્મે છે, અભ્યાસથી વૃદ્ધિ પામે છે અને વ્યુત્પત્તિથી ચારુતર થાય છે. અથવા એક બીજા આલંકારિકે, રૂપક આપ્યું છે તેમ જળ વગેરેની જેમ વ્યુત્પત્ત્યાદિ સહકારી કારણોને પ્રાપ્ત કરી, ડાંગરના બીજને અંકુર ફૂટે તેમ, કવિત્વના બીજરૂપે શક્તિ હોય છે. વિ.પં.