ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તકમંડળ



ગુજરાતરાજ્ય શાળા પાઠ્યપુસ્તકમંડળ : કેન્દ્ર સરકારે અપનાવેલી પાઠ્યપુસ્તકોના રાષ્ટ્રીયકરણની નીતિના ઉપલક્ષ્યમાં, દેશનાં અન્ય રાજ્યોની પેઠે, ગુજરાતમાં પણ ‘ગુજરાતરાજ્ય શાળા પાઠ્યપુસ્તકમંડળ’ની સ્થાપના કરવામાં આવી છે. પાઠ્યપુસ્તક મંડળ ધોરણ ૧થી ૧૨નાં વિવિધ વિષયોનાં પાઠ્યપુસ્તકોની હસ્તપ્રતો તૈયાર કરાવે છે. પાઠ્યપુસ્તકો છપાવે છે અને રાજ્યભરમાં ‘નહિ નફો નહિ નુકસાન’ના ધોરણે પાઠ્ય-પુસ્તકોનું વિતરણ કરે છે. મંડળ ગુજરાતી ભાષામાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવે છે. અન્ય માધ્યમો – હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દૂ અને સિંધી માધ્યમોના વિદ્યાર્થીઓ માટે મંડળ જે તે ભાષામાં પાઠ્યપુસ્તકોના અનુવાદો કરાવી અનુવાદિત પાઠ્યપુસ્તકો પ્રસિદ્ધ કરે છે. આ બધાં માધ્યમોનાં પ્રથમ ભાષાનાં પાઠ્યપુસ્તકો પણ મંડળ પ્રસિદ્ધ કરે છે. પાઠ્યપુસ્તકો ઉપરાંત પાઠ્યપુસ્તકોની આનુષંગિક શૈક્ષણિક સામગ્રી શિક્ષકઅધ્યાપનપોથી, સ્વાધ્યાયપોથી વગેરે – તૈયાર કરાવવાની કામગીરીનો તેમજ શૈક્ષણિક સંશોધનના પ્રકલ્પો હાથ ધરવાની કામગીરીનો પણ પાઠ્યપુસ્તક મંડળના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. ર.બો.