ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગૂજરાત વિદ્યાપીઠગ્રન્થાલય



ગૂજરાત વિદ્યાપીઠગ્રન્થાલય: ગૂજરાત વિદ્યાપીઠના ૧૯૨૦માં સ્થપાયેલા ગુજરાત મહાવિદ્યાલયના આવશ્યક અંગ તરીકે આ ગ્રન્થાલયને ૧૯૨૯માં શ્રીમદ્ રાજચન્દ્ર જ્ઞાનભંડારનો વિપુલ ગ્રન્થસંગ્રહ ભેટ મળતાં અધ્યયન-અધ્યાપન ઉપરાંત સંશોધન સંપાદનકાર્યના એક મહત્ત્વના કેન્દ્ર તરીકેની ગુજરાતમાં મહત્તા પ્રાપ્ત કરે છે. ૧૯૬૩માં ગૂજરાત વિદ્યાપીઠને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ દ્વારા સ્વાયત્ત વિશ્વવિદ્યાલયની માન્યતા પ્રાપ્ત થતાં ગુજરાત મહાવિદ્યાલયના અંગભૂત આ ગ્રન્થાલયને યુનિવર્સિટી ગ્રન્થાલયનો દરજ્જો પ્રાપ્ત થયો અને પર્યાપ્ત માત્રામાં અનુદાન મળતાં અપેક્ષિત વિકાસ થયો. ગુજરાત રાજ્યના કોપી રાઈટ ગ્રન્થાલય તરીકેનું વિશિષ્ટ સેવાકાર્ય સોંપાતાં ગુજરાતી ભાષામાં પ્રતિવર્ષ પ્રગટ થતાં પુસ્તકોના વિશાળ સંચયથી ગુજરાત વિદ્યાપીઠ ગ્રન્થાલય સમૃદ્ધ થયું. વાચનાલય, બાળ-કિશોર વાચનાલય, ગાંધીસાહિત્ય, સંદર્ભસાહિત્ય, કોપી રાઈટ વિભાગ, સામાન્ય ગ્રન્થાલય જેવા વિવિધ વિભાગોમાં વિભાજિત ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પાલી, પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, અરબી, ફારસી જેવી ભાષાઓના વિશિષ્ટ ગ્રન્થોનો વિપુલ સંચય એ આ ગ્રન્થાલયની દેખીતી વિશિષ્ટતા છે તો, સાહિત્યસૂચિ, પ્રલેખન, ફોટોસ્ટેટ કોપીંગ, માહિતી સંપ્રેષણ; ગ્રન્થવિનિમય અને પુસ્તક-પ્રદર્શન જેવી નાનાવિધ સેવાઓ સુલભ કરાવતું આ ગ્રન્થાલય હવે સંપૂર્ણ કમ્પ્યુટર-વ્યવસ્થા ધરાવે છે. ર.ર.દ.