ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગ્રન્થસાહેબ



ગ્રન્થ સામયિક: ઈ. ૧૯૫૯માં સ્થપાયેલા પરિચય ટ્રસ્ટ, મુંબઈ દ્વારા ૧૯૬૪માં આરંભાયેલું કેવળ ગ્રંથસમીક્ષાનું માસિક. આ સામયિક ૧૯૮૬ સુધી ચાલ્યું હતું. શરૂઆતથી એના સંપાદક રહેલા યશવંત દોશીના ચિત્તમાં ગુજરાતી ભાષાના નવપ્રકાશિત પુસ્તકોના માહિતી પ્રસારનો હેતુ રહ્યો હતો. ભારતમાં પ્રકાશિત થતાં નવા પુસ્તકોમાંથી સમીક્ષા ખમી શકે એવા નોંધનીય પુસ્તકોને અલગ તારવવા, એ સમીક્ષા કરી શકે એવા સમીક્ષકોને શોધી એમને આમંત્રિત કરવા, આવેલી સમીક્ષાને યોગ્ય ઘાટ આપવા સમીક્ષકો સાથે પરામર્શન કરવું અને સમીક્ષાને જીવંત કેમ બનાવવી એનો વિચાર તેઓએ સતત કર્યો છે. ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં નવાં પુસ્તકોની સ્થૂળ માહિતી ઉપરાંત તેની ગુણવત્તા વિશેનો કંઈક ખ્યાલ આપવા પુસ્તકોના વધુમાં વધુ પરિચય આપવા એ એનું પ્રાથમિક પ્રયોજન રહ્યું હતું. આ સામયિક સાહિત્ય વિવેચનનું, પુસ્તક સમીક્ષાનું હતું પણ એનો વ્યાપ વિસ્તાર એ હદે સંપાદકે કરેલો કે એમાં અવલોકન, વિવેચન ઉપરાંત ગુજરાતી અને અન્ય ભગિની ભાષાઓમાં પ્રકાશિત થતી કૃતિઓના સંક્ષેપો રજૂ થતાં. ગુજરાતી, અંગ્રેજી અને અન્ય ભાષાઓના અગ્રણી સર્જકોનો તથા એમની પરિચિત કૃતિઓનો પરિચય કરાવવામાં આવતો. સાહિત્યસ્વરૂપોના સ્વાધ્યાયલેખો, શબ્દચર્ચા કરતાં ભાષાવિજ્ઞાનના લેખો, લેખનપ્રકાશન વ્યવસાયની ચર્ચા કરતાં, વિશ્વ સાહિત્યના વાચનનો આસ્વાદ કરાવતી સામગ્રી વિવિધતા ગ્રંથમાં જોવા મળે છે. આ સામયિકે કાન્ત, ગાંધીજી, ન્હાનાલાલ, બ. ક. ઠાકોર, શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની શતાબ્દી વેળાએ કરેલ વિશેષાંકો સ્મરણીય બને એવા છે. આ ઉપરાંત નવલકથા, બાળસાહિત્ય જેવા સાહિત્ય સ્વરૂપો અને ક. મા. મુનશી, કાકાસાહેબ કાલેલકર સર્જકોના પણ વિશેષાંકો ગ્રંથે આપ્યા છે તો એ સાથે જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગગનવિહારી મહેતા અને વાડીલાલ ડગલી જેવા વ્યક્તિવિશેષોને પણ વિશેષાંકના વિષય લેખે હાથ પર લીધા છે. સાહિત્યનું પરિદર્શન આપતા વિશેષાંકો પણ ગ્રંથ પાસેથી મળ્યા હતા જેમાં આજનું ગુજરાતી સાહિત્ય, વાર્ષિક સમીક્ષા અને આવતીકાલની પરીકથા જેવા વિશેષાંકો ધ્યાનપાત્ર છે. બાળસાહિત્યના વર્ષેવર્ષે કરેલા ખાસ અંકો આ સ્વરૂપ પરત્વેની ગ્રંથે દાખવેલી ચિંતા અને નિસબતનું દિગ્દર્શન આપનાર છે. સંપાદક યશવંત દોશીએ સારાસાર વિવેકથી, ઊંડી નિષ્ઠા અને અતંદ્ર પુરુષાર્થ વડે ગ્રંથને અગ્રિમ હરોળના સામયિક તરીકે સ્થાપી આપ્યું હતું. પ્રત્યેક કૃતિની સમીક્ષા સમતોલ, સ્વસ્થ અને પ્રાણવાન બની રહે એ માટે આકરો પરિશ્રમ સમીક્ષકો પાસે પણ કરાવ્યો હતો. જૂથબંધી વિના લાગ્યું તે લખવાની રીતિને અનુસરીને સમીક્ષાઓ પ્રકાશિત થતી હોવાથી અહીં જૂનીનવી પેઢીના અનેક સમીક્ષકોના જીવંત લખાણ સાંપડ્યા છે. નબળી કૃતિઓ વિશેનાં આકરાં લખાણોને કારણે ચર્ચાપત્રો પણ ગ્રંથની ઠીકઠીક જગા રોકે છે. યશવંત દોશીએ આવા પત્રોના પ્રકાશનની સાથે એના તર્કપૂત, સંતોષકારક જવાબો આપવાની જવાબદારી પણ અદા કરી હતી. ગ્રંથાવલોકનનું માસિક નિષ્પ્રાણ બની ન જાય એના વિધવિધ તરીકાઓ એમના હાથે નીપજી આવ્યા છે. ‘ગ્રંથસાર’ શીર્ષકથી પ્રશિષ્ટ પુસ્તકોના મર્મને એમણે સંક્ષેપમાં મૂકી આપ્યા છે. વાર્ષિક સમીક્ષાઓ કરી-કરાવી છે. ડાયરી, પત્ર જેવા સ્વરૂપોને પણ એ માટે ખપમાં લીધા છે. પશ્ચિમના કાવ્યશાસ્ત્ર અંગેની લેખમાળા, હાસ્ય-કટાક્ષ મંડિત રઘુવીર ચૌધરીની ‘વિશાખાનંદની ડાયરી’, સંક્ષિપ્ત અવલોકનોનું પ્રકાશન ગ્રંથના વિશેષને ચીંધી આપે છે. સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, પુરાતત્ત્વ, ધર્મ, તત્ત્વજ્ઞાન, રાજકારણ, સમાજશાસ્ત્ર, શિક્ષણ જેવા અનેક વિષયોને લગતા પુસ્તકોના અવલોકનો માટે ગ્રંથે હમેશા તત્પરતા દાખવી આ કારણે ગ્રંથમાં પ્રકાશિત સમીક્ષાઓને ધ્યાનમાં લઈને પુસ્તક ખરીદ કરનારો વર્ગ અસ્તિત્વમાં આવેલો. ઈ. ૧૯૭૬માં ગ્રંથનું તંત્રીપદ નિરંજન ભગતને સોંપવાનો અને તેનું કાર્યાલય અમદાવાદ ખસેડવાનો નિર્ણય પરિચય ટ્રસ્ટે કર્યો હતો પરંતુ એ પ્રયોગ એક વર્ષમાં જ નિષ્ફળ જવાથી પુનઃ યશવંત દોશીએ ગ્રંથને પોતાના હાથમાં લીધું. ૧૯૬૪થી ૧૯૮૬ સુધીમાં ગ્રંથના કુલ ૨૭૦ અંકો પ્રકાશિત થયા હતા. ગ્રંથસમીક્ષાના આ સામયિકે કોઈ જૂથ કે વાદને આધીન થયા વિના નિર્ભીક, તટસ્થ અને અભ્યાસ સામયિકની છબી અંકિત કરી આપી છે. કિ.વ્યા.