ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગ્રન્થાવલોકન



ગ્રન્થાવલોકન: સાહિત્યિક સામયિકોનું એક મહત્ત્વનું અંગ. ક્યારેક દૈનિકમાં પણ સપ્તાહમાં એકાદ વાર ગ્રન્થાવલોકન પ્રગટ થતું હોય છે. પ્રકાશિત થતાં પુસ્તકો અને વાચકો વચ્ચે સેતુ બનતું ગ્રન્થાવલોકનનું કાર્ય તટસ્થ અને નિષ્પક્ષ કામગીરી માગે છે. કેવળ ગુણદર્શી કે કેવળ દોષદર્શી બન્યા વગર ટૂંકો મુદ્દાસરનો ગ્રન્થપરિચય આપી વિષય પ્રવેશ કરાવવાનું કાર્ય ઉપલક રીતે નહીં પણ તાત્ત્વિક રીતે થવું જોઈએ અને એમ કરવામાં ગ્રન્થના વ્યક્તિત્વને, નહીં કે ગ્રન્થકારના વ્યક્તિત્વને, એમાં ઉપસાવવાનું હોય છે. ચં.ટો.