ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચારુદત્ત


ચારુદત્તં : ભાસનું ચાર અંકનું, અધૂરું, કથામૂલક નાટક. ગણિકા વસંતસેના, ઉદારતાને કારણે દરિદ્ર થઈ ગયેલા ગુણવાન સ્વસ્થ નાયક ચારુદત્ત પ્રત્યે પ્રણયભાવ અનુભવે છે. આની સાથે સમાન્તર છે દાસી મદનિકા અને સંજોગોએ ચોર બનાવેલા યુવાન બ્રાહ્મણ સજ્જલકની પ્રણયકથા. રાજાનો સાળો મૂર્ખ શકાર વસંતસેનાને ઉપાડી જવાની યોજના કરે છે. તેનાથી સંઘર્ષનું તત્ત્વ ઉમેરાય છે. એમ લાગે છે કે અંતે ભાસ આ નાટકની ગતિ ચારુદત્ત અને વસંતસેનાના વિવાહ અને વેશ્યાની ગૃહિણીપદની પ્રાપ્તિ તરફ કરાવવા માગે છે. પરંતુ નાટક અણધાર્યું જ ભરતવાક્ય વિના જ પૂરું થઈ જાય છે. આ અધૂરા નાટકે પ્રથમ શતકના લેખક શૂદ્રકને સંસ્કૃત નાટકોમાં તદ્દન અવનવી ભાત પાડતા અનન્ય પ્રકરણ ‘મૃચ્છકટિક’ની રચના માટે પ્રેરણા અને આધાર આપ્યાં છે. ર.બે.