ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનપ્રક્રિયાપરક કાવ્યવિજ્ઞાન


જ્ઞાનપ્રક્રિયાપરક કાવ્યવિજ્ઞાન(Cognitive poetics) : સંજ્ઞાનવિજ્ઞાને પ્રસ્તુત કરેલા વિચારોનો સાહિત્યના અધ્યયન અર્થે વિનિયોગ કરતો આંતરવિદ્યાકીય અભિગમ. આ અભિગમ કાવ્યવિજ્ઞાન પરત્વેના સંજ્ઞાનવિજ્ઞાનના પ્રદાનની શક્યતાઓ ચકાસે છે અને તેને વ્યાપક બનાવવાનો પ્રયાસ કરે છે. આ વિજ્ઞાન કાવ્યભાષા અને વિવેચનાત્મક વિવેક માનવીય માહિતીપ્રક્રિયા દ્વારા કઈ રીતે ઘડાય છે તથા તે કઈ રીતે નિયંત્રિત થાય છે તે શોધવાનું લક્ષ્ય ધરાવે છે. આ વિજ્ઞાનની માન્યતા મુજબ સંજ્ઞાનાત્મક સિદ્ધાંતોના સવીગત નિરૂપણ માટે સાહિત્યિક કૃતિઓનો ઉપયોગ કરવાને બદલે, સાહિત્યના મર્મને પ્રગટ કરવા માટે સંજ્ઞાનાત્મક સિદ્ધાંતોનો ઉપયોગ કરવો જોઈએ. અહીં સંજ્ઞાનાત્મક પ્રક્રિયાઓ વચ્ચેના ચોક્કસ ભેદોનો સામાન્યપણે વિચાર થાય છે અને તે પ્રક્રિયાઓ વિશિષ્ટ સાહિત્યિક હેતુઓ માટે કેવી રીતે પ્રયોજાય છે તેની તપાસ કરવામાં આવે છે. આ સમગ્ર તપાસની શરત એ છે કે તેમાંથી નીપજેલાં તારણો એટલાં વ્યાપક હોવાં જોઈએ કે તે સાહિત્યકૃતિઓમાં રહેલાં વૈવિધ્યો પરત્વે પ્રયોજાઈ શકે તથા ચોક્કસ સાહિત્યકૃતિઓ વચ્ચે સાર્થક ભેદો પાડવા માટે પણ સક્ષમ નીવડી શકે. આ વિજ્ઞાન સાહિત્યવિવેચન, સાહિત્યસિદ્ધાંત, ભાષા<->વિજ્ઞાન અને સૌન્દર્યશાસ્ત્રના સંયોજનના આધારે વિકસી રહ્યું છે. સંજ્ઞાનાત્મક-કાવ્યવિજ્ઞાનનું એક મહત્ત્વનું કાર્ય આ પ્રકારનાં સંયોજનોની શક્યતાઓ અને મર્યાદાઓ સ્પષ્ટ કરવાનું પણ છે. રૂવેન ત્સુર (Reuven Tsur) આ શાખાના મુખ્ય પુરસ્કર્તા છે. હ.ત્રિ.