ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દૂતવાક્ય



દૂતવાક્ય : ભાસનાં તેર નાટકો પૈકીનું એક વ્યાયોગ વીથી પ્રકારનું એકાંકી, મહાભારતના યુદ્ધ પૂર્વે યુધિષ્ઠિરની સૂચનાથી કૃષ્ણ સંધિના સંદેશા સાથે દુર્યોધન પાસે દૂત તરીકે જાય છે. પાંડવો યુદ્ધ નિવારવા માત્ર પાંચ ગામોની માગણી કરે છે. પરંતુ ઘમંડી દુર્યોધન કૃષ્ણ દૂત તરીકે આવ્યા છે તે છતાં તેમને કેદ કરવાનું આયોજન કરી રહે છે! કૃષ્ણની મહત્તા અને દિવ્યશક્તિ પાસે તેનું અથવા કૌરવોનું કંઈ જ ચાલતું નથી. દૂતકાર્ય નિષ્ફળ જતાં કૃષ્ણને પકડવા પ્રયત્ન થાય છે, ત્યારે તેઓ વિરાટ રૂપ ધારણ કરે છે. તે ચિત્ર અત્યંત રોમાંચક, મુગ્ધકર છે. પરંતુ તેમનાં હથિયારો ક્રમશ : તખ્તા પર આવે છે અને સંવાદ સાધે છે, તેનાથી વ્યર્થ અને કંટાળાજનક લંબાણ થાય છે. બાકી કૃષ્ણની પ્રતિભા અને તેમની ઓજસ્વિતાનું તેમ જ દુર્યોધન રાજ્યસભાનું ચિત્ર પ્રસન્નકર છે. ર.બે.