ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દેવીભાગવત



દેવીભાગવત : મહાપુરાણોમાં પંચમસ્થાન ભાગવતનું કે દેવીભાગવતનું એ અંગે વિવાદ છે. પરંતુ બંગાળી શાકતો ‘કાલિકાપુરાણ’ને દેવીભાગવત માનતા હોવાથી અને ‘દેવી ભાગવત’માં કૃષ્ણભક્તિની અસર હોવાથી દેવીભાગવતની ગણના ઉપપુરાણોમાં થાય છે. આ પુરાણ ૧૮૦૦૦ શ્લોકો ૩૧૮ અધ્યાયો તથા ૧૨ સ્કંધમાં વહેંચાયેલું છે. એમાં મુખ્યત્વે શક્તિતત્ત્વનું નિરૂપણ છે અને દેવીને આદ્યશક્તિ માની એનું વર્ણન થયું છે. અન્ય પુરાણોમાંથી આખ્યાનોનો સમાવેશ તથા પાંચ તબક્કાઓમાં વિકસિત થતું જતું અત્યારનું ‘દેવી ભાગવત’નું સ્વરૂપ અગિયારમી સદીનું લાગે છે. સાદી સરલ શૈલી, બહુધા અનુષ્ટુપ છંદનો પ્રયોગ, રોચક આખ્યાનો, યુદ્ધનાં મનોહર વર્ણનો વગેરે અંશો એને શાક્ત સંપ્રદાયના પ્રતિષ્ઠિત પુરાણ તરીકે સ્થાપે છે. હ.મા.