ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દોન કીહોતે



દોન કીહોતે : (૧૫૪૭-૧૬૧૬) યુરોપીય નવલકથાના ઇતિહાસમાં અગ્રિમ સ્થાન ધરાવતી સ્પેનિસ લેખક થેરવાન્તેસની લખેલી સુખ્યાત વાર્તાકૃતિનું વિષયવસ્તુ ઠઠ્ઠાચિત્ર પ્રકારનું છે. જેનાં સઘળા વ્યંગાત્મક હાસ્યનું નિશાન છે તે સમયે બહુ જ લોકપ્રિય બનેલાં કપોલકલ્પિત, તરંગોત્થ પ્રકારનાં કથાચક્રો. આ કથાચક્રોમાં અમુક શૂરવીરોનાં અપ્રતિમ સાહસો વર્ણવાતાં. આ શૌર્યગાથાઓ વાંચી વાંચી લામાન્યા નામના સ્થળના એક ભલાભોળાને ગજા વગરના પણ ગમી જાય એવા પાત્રનું મગજ ઉશ્કેરાઈ જાય છે. તેને પણ આવા અપ્રતિમ સાહસે નીકળવાનું મન થઈ જાય છે. એ એના રોઝીનાન્ત નામના ઘરડા ઘોડા પર સવાર થઈ; તેનું કાટ ખવાયેલું બખ્તર ચડાવી, સાન્ચોપાન્થા નામના આમ ગામઠી પણ આમ કોઠાસૂઝવાળા બીજા ભલા જીવને પોતાનો નોકર બનાવી અને બાજુના ગામની એક ગોરી દૂલ્થીનિયાને શૌર્યગાથાઓમાં હોય તેમ પોતાની હૃદયસામ્રાજ્ઞી સ્થાપી સાહસોની શોધમાં નીકળી પડે છે. સાવ સામાન્ય એવાં દૃશ્યો, પાત્રો, પરિસ્થિતિઓ આપણા શૂરવીર, દોન કીહોતે દ લા માન્ચાને બિલકુલ અ-સામાન્ય રાક્ષસો, કિલ્લાઓ, આક્રમણો લાગે છે. એમ અનેક હાસ્યાસ્પદ અવસ્થાઓમાં આવી પડી પહેલા ભાગને અંતે આપણા આ શૂરવીરને ઘેર લાવવામાં આવે છે. વાર્તામાં આવતો પ્રસંગ જેમાં આ શૂરવીર સામે ઊભેલી સીધીસાદી પવનચક્કીને આહ્વાન આપતા રાક્ષસો કલ્પે છે તે સુખ્યાત છે. બીજો ભાગ દશેક વર્ષ પછી લખાયેલો છે અને તેમાં વૈચારિક અને આત્મસભાનતાની ધાર વધુ પ્રમાણમાં ચઢેલી દેખાય છે. કવિતા અને ઇતિહાસ, સ્વપ્ન અને વાસ્તવ એ દ્વંદ્વોને નિરૂપતી આ કથા ભ્રમણકથા પ્રકારની નવલકથાની પરંપરામાં વધુ પ્રભાવાત્મક બની રહે છે. દિ.મ.