ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય ઇતિહાસવાદ


નવ્ય ઇતિહાસવાદ (New Historicism) : આમ તો આ અસ્પષ્ટ સંજ્ઞા છે, છતાં ૧૯૮૦ પછી અમરિકન વિવેચકોમાં જે ઇતિહાસવૃત્તિ પુનર્જાગૃત થઈ છે અને સાહિત્યિક કૃતિના અભ્યાસને ઐતિહાસિક તેમજ રાજકીય પરિપ્રેક્ષ્યમાં જોવાનો ઉદ્યમ શરૂ થયો છે, એનો અહીં નિર્દેશ છે. નવ્ય ઇતિહાસવાદ મનુષ્યના ભૂતકાળ સાથેના સંબંધને અવિચ્છિન્ન પણ ભિન્ન રીતે જુએ છે તેમજ મનુષ્યના ભૂતકાળના સંઘટનને વર્તમાન સાથેના એના સંબંધના કાર્ય રૂપે ઓળખે છે. આમ જોઈએ તો નવ્ય વિવેચન મિથ વિવેચન અને વિરચનવાદની ચાલેલી ઇતિહાસનિરપેક્ષ પ્રવૃત્તિની સામેનો આ પ્રતિકાર છે. નવ્ય ઇતિહાસવાદ પાછળ અનુસંરચનાવાદી સિદ્ધાન્તોનું, વિચારધારાઓના માર્ક્સવાદી સિદ્ધાન્તોનું અને બ્રિટિશ સાહિત્યના ઇતિહાસકારોનાં લખાણોનું બળ પડેલું છે. નવ્ય ઇતિહાસવાદી વિવેચકોમાં સ્ટીફન ગ્રીનબ્લેટ, જોનાથન ગોલ્ડબર્ગ મુખ્ય છે. ચં.ટો.