ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યાત્મક કવિતા


નાટ્યત્મક કવિતા (Dramatic Poetry) : ઊર્મિકાવ્ય, કથાકાવ્યની જેમ ત્રીજો પ્રકાર છે નાટ્યત્મક કવિતા. આ સંજ્ઞામાં કાવ્યહેતુઓ સિદ્ધ કરવા નાટ્યરીતિઓનો વિનિયોગ કરતી કવિતાનો નિર્દેશ છે. તો પદ્યને અખત્યાર કરતા નાટકનો પણ નિર્દેશ છે. બીજી રીતે કહીએ તો કાવ્ય અંતર્ગત નાટક અને નાટક અંતર્ગત કાવ્યને સમાવવાનો અહીં પ્રયત્ન છે. બ્રાઉનિંગની રચનાઓમાં નાટ્યત્મક એકોક્તિનો ઉપયોગ જો પહેલી વાતનું સમર્થન કરે છે. તો શેક્સપિયરનાં નાટકોમાં અખત્યાર થયેલું પદ્ય બીજી વાતનું સમર્થન કરે છે. આ સંજ્ઞા પદ્યનાટકો ઉપરાંત કેવળ વાંચવાનાં કે મંચનક્ષમ નહીં એવાં શ્રાવ્ય નાટકો (closet drama)ને પણ આવરી લે છે. ચં.ટો.