ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાથસંપ્રદાય



નાથસંપ્રદાય : અતિ પ્રાચીનકાળનો યોગમાર્ગ, બૌદ્ધ અને શૈવમતના સંપર્કથી ભિન્ન ભિન્ન અનેક વિચારધારામાં પરિણમે છે, જેમાંની એક પ્રભાવક ધારા તે નાથસંપ્રદાય છે. નાથ સાથે મચ્છેન્દ્ર અને ગોરખનાં નામ અવિનાભાવે સંકળાયેલાં છે, પરંતુ આ તેમના સ્થાપકો નથી. જુદી જુદી દિશામાં નાથસંપ્રદાયનો પ્રચાર કરનાર કુલ નવ નાથો હોવાની માન્યતા છે, જેમણે ભારતની વિભિન્ન પ્રાદેશિક ભાષાઓમાં મહત્ત્વનું યોગદાન કરેલું છે. નાથસંપ્રદાયની સાધનાપદ્ધતિ હઠયોગને અનુસરે છે. નીચે જતી કે રહેતી ચેતનાને પ્રયત્ન (હઠ)પૂર્વક ઊર્ધ્વગામી કરવી તથા મનને વશ કરી એના ‘નાથ’ (સ્વામી) બનવું – ‘નાથપદ’ પામવું તે આ સંપ્રદાયનું લક્ષ્ય છે. શરીર, મન અને ચેતનાને સમજવાનો અતિ સૂક્ષ્મ વિચાર આ સંપ્રદાયમાં થયો છે તથા આ સાધનાપદ્ધતિ અન્યને સમજાવવા માટે ચર્યાગીત જેવા સાહિત્યનું સર્જન પણ નાથસાધુઓ દ્વારા ભિન્ન ભિન્ન ભાષામાં થયું છે. નાથસંપ્રદાયના અતિ પ્રસિદ્ધ આચાર્ય ગોરખનાથ પશ્ચિમભારતમાં હોવાનું મનાય છે. ગોરખનાથની સંખ્યાબંધ અલખનામી રચનાઓ ગુજરાતી અને રાજસ્થાનીમાં મળે છે. એક માન્યતા મુજબ ગુજરાતી ભજનસાહિત્યનો આરંભ ગોરખનાથથી થયો છે. પુરાતત્ત્વની દૃષ્ટિએ નાથસાધુઓની મૂર્તિઓ કચ્છ, સૌરાષ્ટ્ર, તળગુજરાત(ડભોઈ)માં મળતી હોઈ નાથ સંપ્રદાયનો ઘણો પ્રાચીન સંબંધ ગુજરાત સાથે અનુમાની શકાય છે. ન.પ.