ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિબંધ


નિબંધ (Essay) : ગદ્ય, કવિઓ માટે નિકષરૂપ છે, એમ જે કહેવાયું છે એનો સ્વીકાર કરીએ તો, ગદ્યકારો માટે નિબંધ કસોટીરૂપ છે એમ કહેવું પડે. કોઈપણ ભાષાના ઐશ્વર્યનો ખ્યાલ કદાચ તેના નિબંધસાહિત્ય ઉપરથી મળી રહે. એ રીતે નિબંધનું સ્વરૂપ અનેકશ : અભ્યાસપાત્ર બની રહ્યું છે. અન્ય સાહિત્યસ્વરૂપોની સરખામણીમાં નિબંધના ઉદ્ભવ અને વિકાસનો પ્રમાણમાં વિશ્વસનીય અને કડીબદ્ધ ઇતિહાસ પ્રાપ્ત થાય છે. આ સ્વરૂપના જનક તરીકે ફ્રેન્ચ લેખક મૉન્ટેઈન (૧૫૩૩-૧૫૯૨)નું નામ યોગ્ય રીતે લેવાયું છે. તેની પૂર્વે પ્લેટો-સેનેકાનાં લખાણોમાં નિબંધનાં તત્ત્વો ક્યાંક ક્યાંક મળે છે પણ ‘નિબંધ’ સ્વરૂપની રેખાઓ સૌ પ્રથમવાર બરાબર ઊપસી આવતી જણાય છે તે તો મૉન્ટેઈનમાં જ. જીવનથી હારી-થાકીને વતનમાં જીવનનાં શેષ વર્ષો પસાર કરી રહેલા મોન્ટેઇન એ એકાંતભર્યા દિવસોમાં પોતાનાં ભાતીગળ અનુભવો-સંવેદનોને શબ્દમાં મૂકવા પ્રયત્ન કરે છે. આ ‘પ્રયત્ન’ તે Essai. જૂની ફ્રેન્ચ ભાષામાં Essaiનો અર્થ જ ‘an attempt’ પ્રયત્ન થાય. આજના ‘નિબંધ’ શબ્દ માટે વપરાતો ‘Essay’ શબ્દ આમ ફ્રેન્ચ શબ્દ Essai પરથી ઊતરી આવ્યાનું મનાય છે. મૉન્ટેઇનના આ નિબંધોનો અંગ્રેજી અનુવાદ ૧૬૦૩માં જ્હૉન ફ્લૉરીઓને હાથે થયો. યુરોપમાં આ નિબંધો બાઇબલની જેમ વંચાયા ને લોકપ્રિય બન્યા. ઇંગ્લેન્ડમાં ફ્રાન્સિસ બૅકન ૧૫૯૭માં ‘Essays’ એ શીર્ષક તળે પોતાના નિબંધો પ્રકાશિત કરે છે, પણ નોંધપાત્ર બાબત એ છે કે લગભગ નજીકના ગાળામાં ફ્રાન્સમાં મૉન્ટેઈનના નિબંધો અને ઇંગ્લેન્ડમાં બૅકનના નિબંધો પ્રસિદ્ધ થતા હોવા છતાં એ રચનાઓ પરસ્પરથી એકદમ ભિન્ન છે. ભલે પછી બંને લેખકોએ રચનાઓને ‘નિબંધ’ – ‘Essay’ તરીકે ઓળખાવ્યા હોય. મૉન્ટેઈન મિત્રભાવે, રમતિયાળ થઈ બોલતો જણાય છે. મૉન્ટેઈનમાં વ્યક્તિત્વની ઉષ્મા છે. બૅકનમાં ચિંતકનું ચિંતન. ‘નિબંધ’ શબ્દ આમ ફ્રાન્સમાં અને ઇંગ્લેન્ડમાં લગભગ સવા ચાર સો વર્ષ પૂર્વે (૧૫૭૧) અનુક્રમે મૉન્ટેઈન અને બૅકનના હાથે પ્રચલિત બન્યો. ‘નિબંધ’ શબ્દનો પ્રયોગ સંસ્કૃતમાં પણ મળે છે. પણ તે આજના સંદર્ભમાં નહિ. ત્યાં તત્ત્વજ્ઞાનનાં કે દર્શનનાં રહસ્યોને સ્ફુટ કરતા ગ્રન્થો ‘નિબંધ’ તરીકે ઓળખાય છે. ‘નિબંધ’ અને ‘પ્રબંધ’ વચ્ચેનો ભેદ પણ ત્યાં જોવાતો નથી. ત્યારે ‘નિબંધ’ શબ્દના જે અર્થો ઘટાવાયા છે તે કંઈક આવા છે : ‘બાંધવું’ ‘જોડવું’ ‘સ્થિર કરવું’ ‘સાંકળ વડે બાંધવું’ ‘રચવું’. છેલ્લાં સવા ચારસો વર્ષમાં દુનિયાની ઘણીબધી ભાષાઓમાં નિબંધ ભિન્ન ભિન્ન રીતે વિકસતો રહ્યો છે. એના વિકાસની સાથે એનાં લક્ષણો અને એની વ્યાખ્યાઓમાં પણ પરિવર્તન આવતું ગયું છે. લગભગ બધે જ, બધી ભાષામાં ‘નિબંધ’ શબ્દના પ્રયોગમાં સંદિગ્ધતા પ્રવર્તતી રહી છે તેથી ‘નિબંધ’ શીર્ષક તળે ઓળખાયેલી રચનાઓની તપાસ કરીએ તો તેમાં ગદ્ય-પદ્યમાં લખાયેલા પ્રબંધો પણ મળી આવશે. નર્યાં વસ્તુનિષ્ઠ લખાણો પણ મળવાનાં. ચિંતનાત્મક, બોધાત્મક કૃતિઓ પણ મળવાની. બીજી તરફ વિવેચનાત્મક લેખો પણ નિબંધ ઓળખાયા છે. હળવાં, રમતિયાળ શૈલીમાં લખાયેલાં કે નર્મપ્રધાન લખાણોને પણ ‘નિબંધ’નું જ લેબલ લગાડવામાં આવ્યું છે. લોકના “એસે કનસર્નિંગ હ્યુમન ઑવ પોપ્યુલેશન’ કે બોસાંકેનો ‘ફિલોસોફી ઑવ સ્ટેટ’ – સર્વ ગ્રન્થો તેથી ‘નિબંધ’માં ખપ્યા છે! આથી તો મૉન્ટેઈન-બૅકન, એડીસન-સ્ટીલ, રસ્કિનહકસલે, એમરસન-ગોલ્ડ સ્મિથ કે લેમ્બ – બધા જ ‘નિબંધકાર’ના ખાનામાં બેસી ગયા છે! ગુજરાતીમાં પણ આ પ્રકારની અતંત્રતા ઠીક ઠીક ચાલતી રહી છે. ‘લેખ’ કે ‘પ્રબંધ’ કરતાં ‘નિબંધ’ પૃથક્ છે એ વાત બધે જ ઘણે મોડેથી સમજાઈ છે. ‘નિબંધ’માં વિષયનું નહિ, વિષયીનું વધુ મહત્ત્વ છે. પ્રબંધમાં વસ્તુનું જ પ્રાધાન્ય છે. પ્રબંધકાર વસ્તુને જેવી છે તેવી – વાચક સામે પ્રસ્તુત કરે છે, તેના વિશે ઝીણી અને અશેષ માહિતી આપે છે, અને એમ વિસ્તારથી વાત કરે છે. ‘નિબંધ’માં કલ્પના અને બુદ્ધિનું સહપ્રવર્તન રહે છે અને વધુ તો એમાં સર્જકનું વ્યક્તિત્વ પ્રવેશતું હોય છે. પ્રબંધમાં વ્યક્તિત્વનો ઓછાયો સુધ્ધાં પડવો ન જોઈએ. નિબંધની ગતિ લલિતની છે, પ્રબંધની ગતિ શાસ્ત્રની. નિબંધ અને લેખના વિકાસમાં વર્તમાનપત્રો લગભગ નિમિત્ત બનતાં રહ્યાં એ ખરું પણ બંનેની ચાલના ભિન્ન રહી છે. નિબંધકાર શૈલીને લડાવે છે, વાચકને નિરૂપણના વૈવિધ્યથી પ્રલોભિત કરે છે; ટોણા-મ્હેણાં-હાસ્ય, ક્યાંક ચિંતન એ સર્વથી રચનાને તે રસી દે છે. અને એમ વિવિધતાવાળા ‘હું’ને તે વિસ્તારે છે. અહીં સિસૃક્ષા કે કલ્પકશક્તિ ભાગ ભજવે છે, જ્યારે લેખમાં વિષય મહત્ત્વનો છે. તથ્યને તથ્ય રૂપે રજૂ કરી, તે વિષયના અભ્યાસીને તેમાં રસ લેતો કરે છે. નિબંધ રસલક્ષી હોવાથી તે બહોળા વાચકવર્ગ માટે આસ્વાદ્ય બની રહે છે. જ્યારે લેખ કોઈ ચોક્કસ વિષય કે હેતુને ધ્યાનમાં રાખીને લખાતો હોવાથી તે વિષયમાં રસ લેનારાઓને માટે જ ઉપયોગી બને છે. ‘પ્રબંધ’ અને ‘લેખ’ વિશે આટલી સ્પષ્ટતા રહે તો એક સાહિત્યસ્વરૂપ લેખે ‘નિબંધ’ને ઓળખી બતાવવો સહેલો પડે. યુરોપમાં સ્ટીલ – એડીસન અને સ્મિથ જેવાનાં લખાણો પછી અને તેમાંય ચાર્લ્સ લેમ્સનાં લખાણો પછી, એટલેકે ઓગણીસમી સદીથી વ્યક્તિત્વના સંસ્પર્શવાળી રચનાઓને જ ‘નિબંધ’ લેખવાનું વલણ ઉત્કટ બનતું ગયું છે. તે પછી નિબંધ લગભગ એ દિશામાં જ ગતિ કરતો રહ્યો છે. આવી રચનાઓ પશ્ચિમમાં Personal Essay લેખાય છે. આને જ આપણે ‘સર્જક નિબંધ’, ‘લલિતનિબંધ’ કે ‘નિબંધ’ આજે કહીએ છીએ. મૉન્ટેઇન-બેકનથી માંડીને ડૉ. જ્હોનસન, ક્રેબ, મરે, પ્રિસ્ટલી, કાઉસટન, હડસન, હ્યુવૉકર, બૅન્સન, બૅરડન વગેરે સંખ્યાબંધ અભ્યાસીઓએ પશ્ચિમમાં નિબંધના સ્વરૂપને સ્પષ્ટ કરવાના, તેની વ્યાખ્યા આપવાના પોતાની રીતના પ્રયત્નો કર્યા છે. ગુજરાતીમાં પણ નર્મદ-દલપતરામ-નવલરામથી આરંભીને મણિલાલ દ્વિવેદી, વિજયરાય વૈદ્ય, વિ. મ. ભટ્ટ, કાકાસાહેબ, ઉમાશંકર જોષી, ‘સુન્દરમ્’, સુરેશ જોષી વગેરેએ નિબંધસ્વરૂપને જુદે જુદે સમયે અને જુદી જુદી પરિસ્થિતિમાં પામવા – પ્રસારવાનો ને વ્યાખ્યાયિત કરવાનો ઉદ્યમ કર્યો છે. એમાંથી નિબંધ વિશેની કંઈક આવી છાપ ઊભી થાય છે : વિષય કરતાં સર્જકની મનોમુદ્રાથી પ્રધાનપણે અંકિત, સર્જક અને ભાવક વચ્ચેના નિખાલસ વાર્તાલાપ જેવી લલિતગદ્યમાં લખાયેલ સંક્ષિપ્ત કલાકૃતિ. ‘નિબંધ’માં જે કેટલાંક સ્વરૂપગત લક્ષણો ઊપસ્યાં છે તે આ પ્રકારનાં છે. નિબંધનું પ્રમુખ લક્ષણ વ્યક્તિત્વનું પ્રકટીકરણ છે. લગભગ બધાં સાહિત્યસ્વરૂપોમાં – પરલક્ષી કલાપ્રકારમાં પણ આત્મલક્ષિતાના અંશો તો જોવા મળે છે જ. સર્જક પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ ઉપસ્થિત થતો જણાય. અહીં નિબંધમાં સર્જક પ્રત્યક્ષ આવીને ખુદ-બ-ખુદ બોલે છે. વ્યક્તિત્વને એની અનેક છટાઓ સાથે પ્રગટ કરવાનો જો સૌથી વધુમાં વધુ અવકાશ કોઈપણ સાહિત્યસ્વરૂપમાં હોય તો તે નિબંધમાં છે. ઉપચાર કે આડશનો આશ્રય લીધા વિના અહીં સર્જક તંતોતંત પોતાને પ્રગટ કરી શકે છે. નિબંધનું પ્રાણતત્ત્વ સર્જકના વ્યક્તિત્વનો પદે પદે થતો આવિષ્કાર છે. આમ નિબંધકાર મૉન્ટેઇન પોતાના નિબંધોનું પ્રયોજન સ્પષ્ટ કરતાં લખે છે કે : ‘આ નિબંધો આત્માને વ્યક્ત કરવાના પ્રયત્નરૂપ છે.’ પ્રત્યેક નિબંધ-લેખક માટે મૉન્ટેઈનનું આ વિધાન ગુરુકિલ્લીરૂપ છે. નિબંધકારે રચનામાં આમ જાતને ચીતરવાની હોય છે, એનાં દલેદલ ઉઘાડી આપવાનાં છે. નિબંધકાર માટે વિષય તો માત્ર એક આલંબન છે. વિષયના ઓઠે ઓઠે નિબંધકાર પોતાને અને વિષય સાથેના પોતાના સંબંધને વ્યક્ત કરતો હોય છે. વાચકને એ રીતે તે પોતાની યાત્રાનો સહપંથી બનાવે છે. કશો ભેદ રાખ્યા વિના તે પોતાના હૃદયને ઊઘડવા દેતો હોય છે. આ પ્રકારની અનૌપચારિક આબોહવા જ નિબંધને નિબંધ બનાવે છે. વાચક પણ તેથી આત્મીયતા અનુભવે છે. એની હૂંફમાં આપ્તજનની ઉષ્માની તે પ્રતીતિ કરે છે. સાચા નિબંધનો વિષય સર્જકનું વૈવિધ્યભર્યું, વ્યક્તિત્વ પોતે છે. નિબંધમાં બીજું બધું પશ્ચાદ્ભૂમાં નંખાઈ જાય તો ચાલે પણ ઘણુંખરું એના શબ્દેશબ્દ ઉપર સર્જકના વ્યક્તિત્વની મુદ્રા તો અંકિત થયેલી માલૂમ પડવી જોઈએ. બીજી રીતે જોઈએ તો નિબંધ સર્જકના સમૃદ્ધ વ્યક્તિત્વના અર્કરૂપ હોવો જોઈએ. નિબંધમાં આમ આકર્ષણ વિષયનું નહિ, વ્યક્તિત્વનું હોય છે. એ વ્યક્તિત્વ જ વાચકને નિબંધના અંત સુધી જકડી રાખે છે. નિબંધમાં પ્રગટતું વ્યક્તિત્વ સ્થૂળ અહમ્ની કક્ષાનું અથવા તો આત્મરતિમાં પુરાઈ રહેતું ન હોવું જોઈએ. રચનામાં પ્રતિબિંબિત થતું વ્યક્તિત્વ સંકુલ પરિઘની કોટડીમાંથી ઊંચકાઈને સમાજ, દેશ અને દુનિયાના સંદર્ભમાં મુકાયેલું હોવું જોઈએ. કેવળ સ્વની સ્થૂળ કોટડીમાં તે પુરાઈ રહે તો વાચકને એના મર્યાદિતપણે પ્રગટતા વ્યક્તિત્વમાં રસ ન રહે. લેસલી ફીડલરે આથી જ કદાચ નિબંધમાં પ્રકટતા “હું”ને – ‘I’ને ‘ઉત્તમ હું’ – Best ‘I’ કહ્યો છે. નિબંધમાં પ્રગટતું વ્યક્તિત્વ આમ સૂક્ષ્મકોટિનું હોય. પ્રત્યેક ક્ષણને ઉજાળીને ‘હું’ અહમ્ને ઓગાળતો, નિર્ભાર અને નર્યો નિખાલસ હોય. નિબંધના અનુલક્ષમાં સ્વાભાવિક રીતે થતો પ્રશ્ન – નિબંધકારનું વિહારક્ષેત્ર કયું? એના વિષયો કયા કયા? અન્ય સર્જકની જેમ નિબંધકાર માટે પણ નિ :સીમ વિશ્વ અને એનો માનવ જ કોઈક ને કોઈક રીતે વિષય બનતાં હોય છે. પણ અહીં પંડને સર્જક આલેખતો હોવાથી વિષય ગૌણ બની રહે છે. માત્ર આલંબન રૂપે એનું સ્થાન રહ્યું છે. એવું આલંબન પછી માનવની કોઈ ટેવ-કુટેવ હોઈ શકે, જીવનની કોઈક વિરલ ક્ષણ પણ હોઈ શકે, પ્રકૃતિની કોઈક રુદ્ર-રમ્ય છટા પણ હોઈ શકે, કોઈ વિચારતંતુ પણ હોઈ શકે. આવો વિષય એક સામાન્ય આધારમાત્ર છે. એનું હોવું એ કાચા તાંતણા જેવું છે. પણ એના આધારે જ સર્જક પોતાના ભાવ-પ્રતિભાવ, ક્રિયા-પ્રતિક્રિયા વ્યક્ત કરે છે. વિષયની તુચ્છતા કે ભવ્યતા એ રીતે નિબંધમાં મહત્ત્વનાં બનતાં નથી. એ વડે સર્જક કેવે કેવે રૂપે ને રીતિએ અભિવ્યક્ત થતો રહે છે એ વાત જ છેવટે ઉપર તરી રહે છે. વિષયને ઉકેલતાં કહો કે તે સ્વયં ઉકેલાતો જાય છે. વિષય કે એના પ્રતિપાદન કરતાં નિબંધ જો એકદમ અન્ય સ્વરૂપોથી જુદો પડી જતો હોય તો તે એની અવનવીન નિરૂપણપદ્ધતિથી. નિરૂપણ નિબંધકારની આગવી વિશિષ્ટતા છે. નિબંધ માટે આકૃતિ નિષ્પન્ન કરવાનું મુકાબલે મુશ્કેલ છે. કેમ કે નિબંધકારનું વક્તવ્ય અન્ય સ્વરૂપોના લેખકોની તુલનાએ અમૂર્ત કોટિનું હોય છે. હવામાંથી શિલ્પ રચવા જેવો એનો ખેલ છે. ધૂમ્રસેરી રહીને કૃતિને તે રેખાયિત કરતો હોય છે. નિરૂપણ બીબાંઢાળ નિયમોને વશવર્તે તે ન ચાલે. પ્રત્યેક રચનાએ નવી ગિલ્લી, નવો દાવ એવી નિરૂપણની ચાલના હોવી ઘટે. આ સંભાષણમાં ભાષાના અનેક કાકુઓ ઊતરી આવતા હોય છે, સંખ્યાતીત ભાષાછટાઓ માટે અહીં મોકળાશ હોય છે. એક તરફ વાતચીતની ભાષા તો બીજી તરફ સર્જનાત્મક ગદ્યની સૂક્ષ્મ છટાઓ. આ બે વચ્ચે સંતુલન રાખવાનું દુષ્કાર્ય કર્તાએ બતાવવાનું હોય છે. આ સંદર્ભે જ કદાચ નિરૂપણ અને એની અભિવ્યક્તિની રીતિનું મહત્ત્વ નિબંધમાં, વિશેષપણે સ્વીકારાયું છે. આલ્સટેર ફાઉલરે નિબંધમાં style of addressનો આવો મહિમા કર્યો છે. નિબંધકાર માટે સૌથી મહત્ત્વની બાબત જ એ છે કે તેણે કેવી રીતે લખવું – એ જાણી લેવું. વિષય ગમે એટલો સબળ હોય, નિબંધકાર ગમે તે કહેવા ઇચ્છતો હોય પણ લખાવટ નબળી હોય તો રચના રસપ્રદ ન બને. નિબંધમાં તો વાક્યેવાક્યનો નાટારંભ જુદો હોય છે. આથી જ નિબંધની વિશેષતા લખાવટમાં – નિરૂપણની કલામાં છે. ઉપલક નજરે આવું નિરૂપણ અનિયમિત કે અવ્યવસ્થિત લાગવા સંભવ છે. પણ નિબંધના સ્વરૂપની ખરી લાક્ષણિકતા જ આ છે કે વિષયચર્ચામાં સ્વપ્રાગટ્યમાં આડાઅવળા જઈ શકાય. સમૃદ્ધ સર્જક નિબંધમાં રહેલી આ શક્યતાનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેતો હોય છે. આ શક્યતાને લઈને જ લેખકને એમાં પોતાના મેઘધનુષી રંગો સાથે વિસ્તરવાનું – વિહરવાનું શક્ય બને છે. અન્ય સ્વરૂપોના સર્જકને આ લાભ બહુ ઓછો મળે છે, ક્વચિત્ જ. નિબંધકારને અહીં નિરૂપણમાં, નિબંધકાર રહીને જ કવિ, વાર્તાકાર કે નાટ્યકારની જેમ જ રચનાને ઉઠાવ આપવાની પણ અપાર શક્યતાઓ રહેલી છે. લેમ્બ જેવાએ એનો લાભ પણ લીધો છે. પ્રત્યેક નિબંધલેખક પોતાના આંતરઐશ્વર્યને આધારે આમ પોતાને અનુરૂપ પદ્ધતિ ખોળી લેતો હોય છે. નિબંધલેખન પાછળના ઉદ્દેશ – આદર્શ વિશે પણ પ્રશ્નો ઊઠતા હોય છે. એક અર્થમાં તો નિબંધકાર ‘નિરુદ્દેશે’ ‘મુગ્ધભ્રમણ’ કરે છે. એની વાતમાં સહભાગી થઈએ એવું એનું એ નિમંત્રણ જ એનું પ્રયોજન છે. બે વ્યક્તિઓના ખેલની – મેળની આ સૃષ્ટિ છે, વ્યક્તિત્વના દ્વાર વાટે તે અનેક વસ્તુઓને રચનામાં પ્રવેશ કરાવે છે. વિનોદ કરે, વ્યંગ્ય-કટાક્ષ કરે, આંસુ સારે કે આંખ લાલ કરે – બધી વેળા વાચક સાથેની એની નિસ્બત આત્મીયજનની રહી છે. એના હૂંફાળા સન્મિત્ર થઈને રહેવાનો જ તેનો ઉપક્રમ છે. તે દ્વારા તે સૃષ્ટિના, માનવીના અનેક રંગો બતાવે છે, સ્થિતિઓ દર્શાવે છે, દિશા તરફ આંગળી ચીંધે છે. વડીલ થઈને કશું ગાંઠે કરાવવાની તેની રીત નથી. એનો ઉદ્દેશ ભાવકની ચેતનાને ચંચલ કરી મૂકવાનો છે. એની પાસે ‘વસ્તુ’ ને જોવાની જે લાક્ષણિક ‘નજર’ છે તે વાચકને પણ આપે છે, ને એમ વાચકને જુદી રીતે જોવાની સ્થિતિમાં તે મૂકે છે. એની દૃષ્ટિમાં સદા ય તગતગે છે માનવીય સભરતા. એ નજરમાં પ્રતીત થતાં ટીખળ, સહાનુભૂતિ, આત્મીયતા અને સાચકલાઈ વાચકને નિત્ય નૂતન રૂપે આકર્ષતાં રહે છે. સર્જકનું એ જ પણ છે, ને ભાવકની એ ઉપલબ્ધિ! નિબંધની વ્યાખ્યા બાંધનારાઓમાંથી ઘણા અભ્યાસીઓએ તેના કદ વિશે પણ વિચાર કર્યો છે. એ ચર્ચામાંથી એક વાત સ્પષ્ટપણે ફલિત થતી જણાય છે તે એ કે નિબંધ એક રસઘનકૃતિને અન્વયે અનિવાર્યપણે લાઘવપૂર્ણ જ હોવો જોઈએ. આવું લાઘવ કલાસ્વરૂપની આંતરિક જરૂરિયાતમાંથી જ ઉત્પન્ન થયેલું એક લક્ષણ છે. બૅકને – માત્ર એક જ શબ્દમાં – એમ જે કહ્યું છે તે એ રીતે સાચું છે. ઝાઝો વિસ્તાર કરવા જતાં સંવેદન, એની તીવ્રતા ગુમાવે. હડસને તો ચેતવણી આપી જ છે. વધારે પડતો પ્રયત્ન ન કરવો! લાઘવ નિબંધની રૂપશ્રીનો અંતર્ગત ભાગ બને છે. ‘ઘાટ’ અથવા તો ‘આકાર’ જેવી સંજ્ઞાનો નિબંધના સંદર્ભમાં વિચાર કરીએ છીએ ત્યારે ઠીક ઠીક મૂંઝવણ ઊભી થાય છે. નિબંધકાર એવો ચિત્રકાર નથી જે ચિત્રની એકેએક રેખાને પૂરેપૂરી દોરે, એને રંગોથી ગાઢત્વ અર્પે. એ થોડીક રેખાઓથી ચિત્ર દોરીને પૂરા ચિત્રનો આભાસ રચી આપનાર ચિત્રકાર છે. છતાં આ થોડીએક રેખાઓનો જાદુ એવો હોય છે કે જોનારના ચિત્તમાં એની અખંડ, સાવયવ આકૃતિ ઊપસી રહે. અહીં આરંભ-મધ્ય-અંતની લશ્કરી શિસ્તનું જડબેસલાક માળખું નથી. ભાષા અને એની વિવિધ તદબીરોનો એ આધાર લે છે, એને અજમાવે છે, પણ છેવટે તો એ બધું આંતરિક માળખું જન્માવતા વ્યક્તિત્વના પ્રબળ દોર સાથે એક-રૂપતા પામે છે. એટલે ભાષા અને વ્યક્તિત્વની બાહ્ય-આંતર સંરચનાનો જે અભેદ જન્મે છે – એ એનો ઘાટ, આકૃતિ કે આકાર. શેરીડન બાકરે ગદ્યલેખનના સંદર્ભે – ભલભલા મોટા સર્જકો પણ અહીં પછાડ ખાઈ જાય છે, એવું જે નોંધપાત્ર કથન કર્યું છે તે ઘણીબધી રીતે નિબંધ માટે વિશેષ રૂપે સાચું છે. અહીં નિબંધકારનું વ્યક્તિત્વ ભાષા દ્વારા નહીં, ભાષા રૂપે જ પ્રકટે છે. અન્ય સાહિત્યસ્વરૂપોને મુકાબલે નિબંધમાં અનશુદ્ધ લલિત ગદ્યની ફોરમ એ રીતે વધુ માણવા મળે છે. એક જ માણસ સતત બોલે છતાં એમાં એકધારાપણું, નિર્જીવતા ન પ્રવેશે એ જ નિબંધમાં મોટી વાત છે. એવાં વ્યવધાનોને અતિક્રમી જવામાં નિબંધકારનો, એની ભાષાશક્તિનો વિજય છે. આ શૈલી સ્વાભાવિક, વાતચીતના મરોડવાળી તો હોય જ, સાથે પૂરેપૂરી સાહિત્યિક પણ. આડંબરી ભાષા-અનુકરણની ભાષા નિબંધમાં લગીરે ય ન ચાલે. એકએક વાક્ય સજીવ હોય, દરેક ઉપર લખનારના દસ્તક હોય તો જ નિબંધ નિબંધ બને. પહેલા શબ્દથી વાચક રચનામાં સંડોવાય, ક્ષણેક્ષણનું તેનું સાહચર્ય હોય-એવી પકડ એ શૈલીની હોવી ઘટે. વાતસૃષ્ટિ, રસસૃષ્ટિ અને તે માટે દૃષ્ટાંતો – ટુચકાઓ – કટાક્ષ – હાસ્યનો આશરો તે લે. અલંકાર, વર્ણન, કલ્પન, – પ્રતીકનો વિનિયોગ પણ તે કરે. વાચન-મનનમાંથી સૂક્તિઓ – અવતરણો પણ દડી આવે. શરત એટલી બધું લીલયા આવે, આકારાય. અભિવ્યક્તિની આ બાહ્ય યુક્તિ-પ્રયુક્તિઓની સાથે દરેક લેખકને એની વૈયક્તિક મુદ્રાથી રસિત શૈલી હોય. જે એની જ હોય. નિબંધમાં એનું મહત્ત્વ છે. કોઈપણ સાહિત્યસ્વરૂપને પ્રકારોમાં વહેંચી નાખવાની રીત ઘણી પ્રાચીન છે. કશીક, ક્યાંક વિશેષતા જણાઈ, જુદાપણું લાગ્યું એટલે વિભાગો પાડવાનું શરૂ થવાનું. નિબંધના પણ વર્ણનાત્મક, વિવરણાત્મક, વિચારાત્મક, ભાવાત્મક, ઉપદેશાત્મક, ચરિત્રાત્મક કે વિવેચનાત્મક એવા પ્રકારો ગણાવાયા છે. પશ્ચિમમાં પણ ચિંતનાત્મક નિબંધો, સર્જક નિબંધોને વિવેચનાત્મક નિબંધો એવા ત્રણ પ્રકારો મળે છે. ગુજરાતીમાં પણ ‘નિબંધિકા’, ‘હળવો નિબંધ’, જેવા શબ્દો મળે છે. કથન, વર્ણન અને વિચારને લક્ષમાં રાખીને પણ વર્ગીકરણો થયાં છે ‘નિબંધ’ શીર્ષક તળે સુમાર વિનાનાં લખાણો સમાવિષ્ટ થયાં છે. તેથી આવા પ્રકારો એવાં લખાણોની પૃથક્તાને સૂચવી આપે. બાકી જેમાં કળા છે, સર્જન છે, વ્યક્તિત્વના રંગો ખીલેલા છે, તેને આપણે ‘નિબંધ’ તરીકે ઓળખીએ અને જેમાં સર્જન નથી, કળા નથી, જેમાં લેખકનું વ્યક્તિત્વ નથી પ્રગટ થતું તેવી રચનાઓને અનિબંધ કે નિબંધેતર ગણીએ તો તે પૂરતું છે. ‘નિબંધ’ ‘Essay’ શબ્દથી એનું જે રસસંભૃત સ્વરૂપ છે, તે જ આપણા મનમાં અંકાઈ જવું જોઈએ. પ્ર.દ.