ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિર્માણવાદ


નિર્માણવાદ(Constructivism) : ૧૯૨૪ની આસપાસના સોવિયેટ લેખકોના જૂથની રીતિઓ અને અભિવૃત્તિઓને અનુલક્ષીને નિર્માણવાદ નામ અપાયું. એમણે જથ્થો, પરિમાણ અને અવકાશનાં ચુસ્ત સ્વરૂપગત સંયોજનોનો અને આધુનિક ઔદ્યોગિક સામગ્રી તેમજ તરીકાઓનો ઉપયોગ કર્યો અને વિચારપૂર્વક માન્યતાઓ તેમજ આધુનિક ટેક્નિકલ વિકાસના સિદ્ધાંતોનો સમન્વય કર્યો. એક પ્રકારની અપ્રતિનિધાનશીલ અને ભૌમિતિક કલારીતિ વિકસાવી. ખાસ તો મંચસજ્જામાં એમનો વિનિયોગ અત્યંત ધ્યાનપાત્ર બનેલો. આના મુખ્ય સિદ્ધાંતકારોમાં કવિ કે. ઝેબિન્સ્કી, આઈ. એલ. સેલિન્સ્કી અને વેરા ઇન્બેર હતાં. ચં.ટો.