ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિષિદ્વપ્રયોગ


નિષિદ્ધપ્રયોગ(Taboo) : સામાજિક કે ધાર્મિક રૂઢિને કારણે, ક્યારેક ચોક્કસ રુચિને કારણે દરેક સમાજ અને યુગ કેટલાક શબ્દોને અને કેટલાક વિષયોને નિષિદ્ધ ગણે છે અને તેથી એને વપરાશમાંથી બાતલ કરે છે. મળમૂત્રને લગતા શબ્દો, જાતીયતાને લગતા શબ્દો, મૃત્યુને લગતા શબ્દો, રોગ અને શારીરિક ખોડને લગતા શબ્દો આવી ક્રિયામાંથી પસાર થયા કરે છે. મૃત્યુને ટાળવા ‘ગુજરી ગયા’ કે ‘કૈલાસવાસી થયા’ જેવા પ્રયોગો, ‘દુકાન બંધ કરવી’ને બદલે ‘દુકાન વધાવવી’ અને ‘દીવો હોલવવો’ને બદલે ‘દીવો રાણો કરવો’ જેવા પ્રયોગો અશિષ્ટ કે આઘાતજનકને દૂર રાખવા પ્રયત્ન કરે છે. આધુનિકતાવાદી સાહિત્યમાં પરંપરાવિચ્છેદ માટે અને આઘાત દ્વારા જડીભૂત સંવેદનને જગવવા માટે નિષિદ્ધ વિષયો અને નિષિદ્ધ શબ્દોને ક્યારેક અખત્યાર કરવામાં આવ્યા છે. ચં.ટો.