ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/ન્યાયદર્શન


ન્યાયદર્શન : ભારતનાં પ્રાચીન છ વિખ્યાત આસ્તિક દર્શનો પૈકીનું એક. ન્યાયદર્શન એ શાસ્ત્રીય અને સૂક્ષ્મ રીતે સંસારવ્યવહારની વાસ્તવિક્તાનું તત્ત્વજ્ઞાન રજૂ કરનારું દર્શન છે. અને તે સોળ પદાર્થોના આમૂલક અન્વેષણ અને જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન મેળવનાર ક્રમશ : સંસાર પ્રત્યે વિરક્ત બને છે, આત્યન્તિક-દુઃખ વિધ્વંસ અનુભવે છે અને તેને પરિણામે જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જીવાત્મા, ઈશ્વર અને એ જ ચેતનપ્રેરક પરમાત્માની મીમાંસા, વ્યાવહારિક અને સાંસારિક સંદર્ભમાં જ કરવામાં આવી છે. આનો આદ્યગ્રન્થ ગૌતમમુનિનું ‘ન્યાયસૂત્ર’ છે. તેના પર સૌથી પ્રાચીન વાત્સ્યાયનનું ભાષ્ય છે. ઉદ્યોતકરાચાર્યે ‘વાર્તિક’ રચ્યું છે. ન્યાયદર્શનને એકદમ સમૃદ્ધ કરનાર છે, વાચસ્પતિનું ‘ન્યાયસૂચિનિબંધ’. તેમણે ઉદ્યોતકર પર ‘તાત્પર્યટીકા’ પણ લખી છે. તેઓ ‘સર્વતંત્રસ્વતંત્ર’ તરીકે જાણીતા છે. તેના પછી પ્રખર નૈયાયિક ઉદયનાચાર્યના ગ્રન્થો તાત્પર્યટીકા પર ‘પરિશુદ્ધિ’ અને ‘ન્યાયકુસુમાંજલિ’ જાણીતા છે. વેદનું પરમ પ્રામાણ્ય માનીને, માનવજીવનના અંતિમલક્ષ્ય તરીકે તમામ દુઃખોમાંથી આત્યંતિકા નિવૃત્તિ અને મોક્ષ સુધી પહોંચવાની નેમ ધરાવતા સાધક માટે આ દર્શન સોળ પદાર્થોના તત્ત્વવિજ્ઞાનની સાધના રજૂ કરે છે. એમાં સમગ્ર સંસારને આવરી લેતા વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ છલ, નિગ્રહ-સ્થાન જેવા સોળ પદાર્થો અને તેની સાથે આનુષંગિક રીતે સંકળાયેલાં તમામ તત્ત્વો તેમજ પ્રશનેની સૂક્ષ્મ મીમાંસા આ દર્શને કરી છે. અહીં પ્રત્યક્ષ અનુમાન અને હેતુ, હેત્વાભાસ, અભાવના પદાર્થ હોવાની સમસ્યા, ષડ્વિધ-સન્નિકર્ષ, બુદ્ધિ આત્મા અને ઈશ્વર તથા મોક્ષની મીમાંસા અભ્યાસના શિરમોર સમી છે. પૂર્વપક્ષ અને સિદ્ધાન્તીની સામસામી દલીલો એ એની મુખ્ય પદ્ધતિ છે અને તેના વાદોને વિકસાવવામાં, અતિ ઉચ્ચ કક્ષાએ લઈ જવામાં એ ખૂબ કારગત નીવડી છે. પ્રમાણ ચાર છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. આ ન્યાયદર્શન ભારતીય તર્કશાસ્ત્ર તરીકે અન્ય દર્શનોને અલ્પ યા બહુ પ્રમાણમાં સહાયક થયું છે. વળી કણોદના વૈશેષિક દર્શનનું નિકટવર્તી આ દર્શન હોવાથી કેટલુંક તેનું ચિંતન આ દર્શને અપનાવ્યું છે. એમાં પરમાણુવાદને પણ આત્મસાત કરી લેવાની દૃષ્ટિ અમુક નૈયાયિકોએ રાખી છ . સાહિત્યશાસ્ત્રમાં શંકુકનો અનુમિતિવાદ ન્યાયદર્શન પર આધારિત છે. ર.બે.