ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પદ્ય


પદ્ય(Verse) : પદયુક્ત અર્થાત ગણમાત્રાયુક્ત રચનાને પદ્ય સંજ્ઞા લાગુ પડે છે. ગદ્યની વિરુદ્ધ કોઈ ચોક્કસ છાંદસ સ્વરૂપ એમાં પ્રયોજાયેલું હોય છે. આમ તો, ભાષાની નૈસર્ગિક કે સાહજિક સામગ્રીને પદ્ય સ્વીકારે છે, પણ સામાન્ય વ્યવહારમાં જોવા ન મળે એ પ્રકારનું એના પર આયોજન આરોપિત કરે છે. અને એમ રચનાનાં સ્વરૂપ અને સામગ્રી બંને પરત્વે ધ્યાન ખેંચે છે. પદ્યરચનામાં લયાત્મક સ્વરૂપ અને વિન્યાસ સ્વરૂપ બંને અર્થ પ્રદાન કરનારાં તત્ત્વો છે. છંદ, પ્રાસ, વિરામ કે યતિખંડો – આ સર્વનો વિન્યાસ સાથે સંવાદ થવો ઘટે. એક રીતે જોઈએ તો રચનાને જ્યારે પદ્ય કહીએ છીએ ત્યારે એનું માત્ર વર્ણન કરીએ છીએ, મૂલ્યાંકન કરતા નથી. પદ્યમાં લખાય એટલું બધું કવિતા નથી. કેટલીક પદ્યરચનાઓ કવિતા સંજ્ઞાને લાયક નથી હોતી, એ પદ્યનિબંધો હોય છે. પદ્ય માત્ર કવિતા માટે ઉપયોગમાં નથી લેવાતું. સ્મૃતિદૃઢતાને અનુલક્ષીને ઉખાણાંઓ ભડલીવાક્યો, જાહેરાતની જિંગલ્સ, જોડકણાંઓ અને અન્ય માહિતી સંપ્રેષણો પણ પદ્યમાં થાય છે. આમ પદ્ય શબ્દરચનાનો બાહ્યદેહ ચીંધે છે. એની આંતરિક પ્રકૃતિનો સંકેત નથી કરતું. દરરોજના વ્યવહારમાં સમાનાર્થી સ્વીકારાયા હોવા છતાં કાવ્યશાસ્ત્રમાં પદ્ય અને કવિતા સમાનાર્થી નથી. પદ્ય એક પ્રવિધિ છે. પદ્ય અને કવિતા વચ્ચેના અંતરને સ્પષ્ટ કરવા ઘણો ઊહાપોહ થયો છે. આમ છતાં બંને વચ્ચેના સંબંધની અનિવાર્યતા તો છે એ નોંધવું પડશે. કવિતાની અર્થવ્યાપ્તિમાં ગદ્યરચનાનો સમાવેશ થયો હોવા છતાં મુખ્યત્વે કવિતા પદ્યમાં લખાય છે અને એમાં લય કે છંદ પરત્વે ધ્યાન દોર્યા વગર કવિતાને પૂર્ણ રીતે પામી શકાય નહીં, કે ચર્ચી શકાય નહીં, એ હકીકત છે. પદ્યલયની વિવિધતાઓ એ છંદશાસ્ત્ર કે પિંગળનો વિષય છે. પ્રાસ, અનુપ્રાસ સ્વરવ્યંજનસંકલનાથી ઘડાયેલું કલેવર ગદ્યથી વિરુદ્ધ પદ્યનો એક છેડો છે, તો પ્રાસહીન પદ્ય કે પ્રવાહી યા મુક્ત પદ્ય એ ગદ્યની દિશામાં ખસતો પદ્યનો બીજો છેડો છે. ચં.ટો.