ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાઠાન્તર


પાઠાન્તર : લેખક પોતાની કૃતિમાં કે પછી પોતાના પુસ્તકની આવૃત્તિઓમાં શબ્દો, પંક્તિખંડ કે પંક્તિઓમાં વારંવાર વૈકલ્પિક ફેરફાર કરતો હોય છે, એ પાઠાન્તરો છે. કવિ યેટ્સે કે બ. ક. ઠાકોરે આ રીતે વારંવાર એમની કૃતિઓને મઠાર્યા કરી પાઠાન્તરો આપ્યાં છે. કવિ ‘કાન્ત’ના ‘ચક્રવાકમિથુન’ના પાઠાન્તરની જેમ ક્યારેક પાઠાન્તર લેખકમાનસને સમજવામાં સહાયક નીવડે છે. મધ્યકાળની એક કરતાં વધુ હસ્તપ્રતોમાં લહિયાઓને કારણે મળી આવતાં પાઠાન્તરોમાંથી મૂળ પાઠને તારવવાનું કાર્ય જહેમત માગનારું છે. વળી, કંઠોપકંઠ ચાલી આવેલા સાહિત્યમાં પણ અનેક પાઠાન્તરો મોજૂદ હોય છે. ચં.ટો.