ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રકૃતિવાદ


પ્રકૃતિવાદ/નિસર્ગવાદ (Naturalism) : ૧૮૬૫ આસપાસ ફ્રેન્ચ સાહિત્યમાં ઉદ્ભવેલો વાદ. ત્રીસેક વર્ષ ત્યાં એનો પ્રભાવ રહ્યો. જર્મનીમાં ૧૮૮૦-૯૦ દરમ્યાન અને અમેરિકામાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી બીજા વિશ્વયુદ્ધ સુધી એનું બળ વર્તાયું હતું. મુખ્યત્વે નવલકથા અને નાટકમાં આ વાદનો પ્રભાવ રહ્યો છે. પ્રકૃતિ માટેના પ્રેમને પ્રકૃતિવાદ કહેવામાં આવ્યો છે, પરંતુ એને માટે ‘પ્રકૃતિપ્રેમ-વાદ (naturism)’ સંજ્ઞા વાપરવી ઉચિત છે. કારણકે પ્રકૃતિવાદને પ્રકૃતિપ્રેમ સાથે કોઈ સંબંધ નથી. પ્રકૃતિવાદની નાળ વાસ્તવવાદ સાથે જોડાયેલી છે. કળાનું લક્ષ્ય ઇન્દ્રિયપ્રત્યક્ષ વાસ્તવનું વસ્તુલક્ષી ઢબે અનુકરણ કરવાનું છે એનો સ્વીકાર બન્ને વાદ કરે છે. એટલે શિથિલ રીતે વાસ્તવવાદની પર્યાયવાચી સંજ્ઞા તરીકે પ્રકૃતિવાદનો ઉપયોગ થયો છે, પણ આ વાદના પુરસ્કર્તા એમીલ ઝોલા અને તેમના સર્જકજૂથના મનમાં પ્રકૃતિવાદનો વાસ્તવવાદથી ભિન્ન અર્થ પડેલો હતો. ઓગણીસમી સદીનાં વિજ્ઞાન અને ફિલસૂફીએ પ્રકૃતિવાદ પર ખૂબ અસર કરી છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અને ટેઈનના ભૌતિક નિયતિવાદ (materialistic determinsim)ના વિચારોના પ્રભાવને કારણે પ્રકૃતિવાદનો જીવન તરફ જોવાનો દૃષ્ટિકોણ નિરાશાવાદી છે. મનુષ્ય મૂળભૂત રીતે પશુ છે. જૈવિક આવેગો એના વ્યક્તિત્વનો અંતર્ગત અંશ છે. આનુવંશિક સંસ્કારો, પર્યાવરણીય ને સામાજિક રાજકીય પરિસ્થિતિઓ મનુષ્યના સ્વાતંત્ર્યને સીમિત કરી નાખે છે. મનુષ્ય આ બળોને અતિક્રમવા માટે અસમર્થ છે. નિરૂપણ પરત્વે પ્રકૃતિવાદ વૈજ્ઞાનિક અભિગમને સ્વીકારે છે. સ્થળ-કાળના પરિમાણમાં આકાર લેતી ઘટનાઓનું બનેલું આ પ્રાકૃતિક વિશ્વ પ્રયોગો, નિરીક્ષણ અને વિશ્લેષણથી પામી શકાય છે એમ તત્કાલીન વિજ્ઞાનની જેમ પ્રકૃતિવાદ પણ માને છે. એટલે પ્રત્યક્ષ અનુભવ દ્વારા મનુષ્યજીવનનું સૂક્ષ્મ આલેખન પ્રકૃતિવાદી નવલકથાઓમાં થયું છે. નવલકથામાં ઝોલાની કૃતિઓ ધ્યાનપાત્ર છે તો નાટકની અંદર તોલ્સ્તોયનું ‘પાવર ઑફ ડાર્કનેસ’ હેન્રિક ઇબ્સનનું ‘ઘોસ્ટ્સ’ હૉપ્ટમાનનું ‘દિ વેવાર’ વગેરે મહત્ત્વનાં પ્રકૃતિવાદી નાટકો છે. યંત્રયુગને લીધે ઊભા થયેલા ઔદ્યોગિક સમાજની ઘણી કુત્સિતતાઓ આલેખાવાને લીધે પ્રકૃતિવાદ પર અનૈતિકતાનો આક્ષેપ થયેલો. વૈજ્ઞાનિક તાટસ્થ્યથી જીવનને જોવા અને આલેખવામાં રસ તથા ઈશ્વર જેવાં અપ્રાકૃતિક તત્ત્વો પરત્વે ઉદાસીનતાને કારણે પ્રકૃતિવાદી સર્જકોએ જીવનની અભદ્ર બાજુઓ ઉઘાડી રીતે આલેખવામાં છોછ નથી અનુભવ્યો. આધુનિકતાવાદી આંદોલનોએ પ્રકૃતિવાદનો સબળ વિરોધ કર્યો છતાં સાહિત્યની ક્ષિતિજો વિસ્તારવામાં પ્રકૃતિવાદનું પ્રદાન ઉવેખી શકાય એવું નથી. જ.ગા.