ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિબુદ્ધિવાદ


પ્રતિબુદ્ધિવાદ (Antirationalism) : ગ્રીક દાર્શનિક પ્લેટોએ સર્વપ્રથમ આ મતનું પ્રતિપાદન કરતાં કહ્યું હતું કે સૌન્દર્યની અનુભૂતિ માત્ર પ્રબળ આવેગ અને આત્મવિસ્મૃતિ દ્વારા જ શક્ય બને છે. સૌન્દર્યના અને સૌન્દર્યભાવનાના સંપ્રેષણમાં બુદ્ધિ અને જ્ઞાનની કોઈ ભૂમિકા હોતી નથી. આથી સૌન્દર્યાનુભૂતિનું બુદ્ધિ અને વિવેકથી વિશ્લેષણ કરવું અશક્ય નહિ, તો અનિચ્છનીય જરૂર છે. રંગદર્શિતાવાદી યુગના વડ્ઝવર્થ-શેલી જેવા કવિઓએ પણ સહજાનુભૂતિને કાવ્યનો આત્મા માનીને બુદ્ધિ અને વિવેકને કલાત્મક અનુભૂતિમાં બાધક માન્યાં છે. આધુનિક કાળમાં ઇટાલિયન સૌન્દર્યશાસ્ત્રી ક્રોચેએ પણ પોતાના ગ્રન્થ ‘ઇસ્થેટિક્સ’માં સૌન્દર્ય અને સર્જનપ્રક્રિયાના મૂળતત્ત્વ તરીકે સ્વયંસ્ફુરણાનો સ્વીકાર કરીને તર્ક અને બુદ્ધિનો બહિષ્કાર કરવાની હિમાયત કરી છે. ચં.ટો.