ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતીક


પ્રતીક(Symbol) : પ્રતીકયોજના એ કોઈ કવિતાક્ષેત્રનો વિશેષ નથી. અન્ય ક્ષેત્રોમાં પણ પ્રતીકયોજનાનો આશ્રય લેવાય છે. કવિતાનાં સંદિગ્ધ અને તરલ પ્રતીકોને ગણિતનાં સ્થિર અને નિશ્ચિત પ્રતીકો સાથે વિરોધાવવાથી બંનેનાં હેતુ અને કાર્યની ભિન્નતા સ્પષ્ટ જોઈ શકાય છે. ગણિતમાં પ્રતીક, મૂલ્ય અને અર્થની નિશ્ચિતતા ઊભી કરવા ઉપરાંત અર્થગ્રહણના માર્ગને ટૂંકાવવાનો તરીકો છે. કવિતામાં કવિ અસ્પષ્ટતામાંથી સ્પષ્ટ થવા અસ્પષ્ટતાનો લાંબો માર્ગ પસંદ કરે છે. અર્થગ્રહણની સુગમતાને દૂર ઠેલી અર્થગ્રહણના માર્ગને વિલંબાવે છે. ગણિતનું પ્રયોજન માહિતીને વધુ ને વધુ નક્કર કરી આપવાનું છે જ્યારે કવિતાનું પ્રયોજન માહિતીને વધુમાં વધુ વિખેરી ઓગાળી નાખવાનું છે. રોજિંદી ભાષામાં રહેલી માહિતીની નક્કરતાને કવિ કોઈ ને કોઈ રીતે વિખેરવા માગે છે અને એમ કરવા માટે કવિ પાસે પ્રતીક એ હાથવગું સાધન છે. ચં.ટો.