ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રબંધ



પ્રબંધ : મધ્યકાલીન ગુજરાતમાં સંસ્કૃતમાં પ્રબંધ એટલે ઐતિહાસિક પુરુષોનું ચરિત્ર આલેખતી અપભ્રંશ/જૂની ગુજરાતીનાં સુભાષિતો ટાંકેલી ગદ્ય (ક્વચિત્ પદ્ય) કૃતિ. જૂની ગુજરાતીમાં ‘પ્રબંધ’ શબ્દ અર્થફેરે પ્રયોજાય છે. ઐતિહાસિક કાવ્યો ‘રાસ’ તરીકે અને કલ્પિતકથાઓ પ્રબંધ તરીકે ઓળખાઈ છે. પદ્મનાભનો ‘કાન્હડદેપ્રબંધ’, લાવણ્યસમયનો ‘વિમલપ્રબંધ’, ‘રાસ’, ‘ચરિત’, ‘રાસ – પવાડુ’ નામે, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ એ રૂપક, ‘માધવાનલકામકંદલા’ પદ્યવારતા પણ પ્રબંધ તરીકે ઓળખાયાં છે. ગુજરાતીમાં નિશ્ચિત સાહિત્યપ્રકાર તરીકે અસ્પષ્ટ એવો આ પ્રકાર ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસની દૃષ્ટિએ, ગુજરાતની સંસ્કૃતિ વિશે, ઐતિહાસિક, સામાજિક વસ્તુની દૃષ્ટિએ મહત્ત્વનો છે. જૈન લેખકોએ વિશેષત : ખેડેલા આ પ્રકારની ઐતિહાસિક રચનાઓનો ઉદ્દેશ ઉપદેશનો, જૈનધર્મની મહત્તા બતાવવાનો, સાધુઓને વ્યાખ્યાન માટે સામગ્રી પૂરી પાડવાનો અને જ્યાં પ્રબંધનું વસ્તુ કેવળ દુન્યવી હોય ત્યાં લોકોને નિર્દોષ આનંદ પૂરો પાડવાનો રહેતો. પ્રબંધોને ઇતિહાસ કે ચરિત લેખે નહિ ગણતાં ઇતિહાસની સામગ્રી તરીકે એનો ઉપયોગ કરવો જોઈએ. સાથે એમને કાલ્પનિક, મનોરંજક કૃતિઓ ગણી ઉવેખવાનું પણ વાજબી નથી. પુરાણગ્રન્થોમાંથી પ્રાચીન ભારતીય ઇતિહાસનાં તથ્યો મળે છે, એવું જ પ્રબંધાદિ વિશે પણ છે. રાજશેખરે તીર્થંકરો, ચક્રવર્તીઓ અને અન્ય પ્રાચીન રાજાઓ તથા ‘આર્યરક્ષિતસૂરિ’ (ઈ.સ. ૩૦માં સ્વર્ગવાસી) સુધીના ઋષિઓનાં વૃત્તાંતોને ચરિત્ર અને એ પછી થયેલી વ્યક્તિઓના વૃત્તાંતને પ્રબંધ નામ આપ્યું છે. દે.જો.