ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રભાવવાદ


પ્રભાવવાદ/ચિત્તસંસ્કારવાદ(imperessionism) : ૧૮૬૫ આસપાસ એદ્વાર માને દ્વારા ફ્રેન્ચ ચિત્રકળામાં પ્રભાવવાદી ચિત્રશૈલીનો પ્રવેશ થઈ ગયેલો પરંતુ વાસ્તવવાદી શૈલીથી જુદી પડતી આ ચિત્રશૈલીને ‘પ્રભાવવાદ’(impressionism) એવી સંજ્ઞા ૧૮૭૪માં પ્રદર્શિત થયેલા કસૉદ મોનેના ચિત્ર ‘ઇમ્પ્રેસન, સનરાઈઝ’ પરથી પ્રાપ્ત થઈ. આમ તો પ્રભાવવાદને વાસ્તવવાદ અને પ્રકૃતિવાદના વિસ્તાર રૂપે જ જોવામાં આવે છે પરંતુ એકબે બાબતમાં આ ચિત્રશૈલી વાસ્તવવાદી શૈલીથી જુદી પડે છે. પ્રભાવવાદીઓને વસ્તુને વસ્તુ તરીકે યથાતથ આલેખવાને બદલે ભિન્નભિન્ન સ્થિતિ ને મનોદશામાં કળાકારના ચિત્ત પર વસ્તુનો જે પ્રભાવ (imperssion) પડે તેને આલેખવામાં રસ છે. એટલે પ્રભાવવાદીઓએ વસ્તુના આત્મલક્ષી અનુભવ પર ભાર મૂક્યો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રકાશની લાક્ષણિકતાઓ અને વસ્તુના રંગો અંગે જે વૈજ્ઞાનિક સંશોધન થયાં તેની અસર પણ પ્રભાવવાદી ચિત્રશૈલી પર પડી છે. એદ્વાર માને, કલૉદ મોને, દેગા, પીસારો, સિસ્લે વગેરે આ શૈલીના પ્રમુખ ચિત્રકારો છે. સાહિત્યની અંદર પ્રભાવવાદ એક આંદોલન રૂપે કોઈપણ ભાષાના સાહિત્યમાં આવ્યો નથી. સાહિત્યમાં આ સંજ્ઞા ઠીકઠીક સંદિગ્ધ રીતે પણ વપરાઈ છે. બૉદલેર, માલાર્મે એ પ્રતીકવાદી કવિઓને ઘણીવાર પ્રભાવવાદીઓ તરીકે ઓળખવામાં આવ્યા છે. આ કવિઓ વસ્તુના આત્મલક્ષી રૂપને આલેખવા પર ભાર મૂકે છે એને કારણે એમને આ રીતે ઓળખાવ્યા હોય, પણ આ કવિઓના વિચારો બીજી રીતે પ્રભાવવાદીઓથી જુદા છે. તેઓએ કાવ્યને ઇન્દ્રિયાતીત અનુભવ(transcendental experience)ને વ્યક્ત કરવાનું માધ્યમ બનાવ્યું અને તેથી પ્રતીકનો અને વ્યંજિત અર્થનો ઘણો મહિમા એમણે કર્યો. પ્રભાવવાદીઓ આવા કોઈ અનુભવને વ્યક્ત કરવાની વાત કરતા નથી. એ રીતે એમિ લૉવેલ, જહોન્ ફ્લેચર એ કલ્પનવાદી કવિઓને પ્રભાવવાદી ગણવામાં આવ્યા છે, તો આધુનિક નવલકથામાં વુલ્ફ, માર્સલ પ્રુસ્ત, જેમ્સ જોય્સ ઇત્યાદિ સર્જકોની પાત્રના અચેતન વ્યાપારોને આલેખતી રચનારીતિ (technique)ને પ્રભાવવાદી કહેવામાં આવે છે. જ.ગા.