ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રવિધિ


પ્રવિધિ(Techniqe) : સંપાદિત કે અન્ત :સ્ફુરિત કસબકૌશલનો વિનિયોગ કરતું લેખકનું રીતિસામર્થ્ય. એમાં એની વિશેષ પદ્ધતિ અને પ્રક્રિયા સૂચવાય છે. એક કાવ્યને કે એક નવલકથાને રચના માટે અનેક તબક્કાઓમાંથી પસાર થવાનું રહે છે. કાવ્યનો તર્ક નક્કી કરવો, પ્રતીક, કલ્પન, લય, બાની, વિન્યાસ સમેત કૃતિના સૌન્દર્યનિષ્ઠ પટને આકાર આપવો – એ જો કવિની પ્રવિધિ સાથે સંકળાયેલાં તત્ત્વો છે, તો પાત્રાલેખન, સંઘર્ષવિકાસ, રહસ્યોદ્ઘાટન, સંવાદકલા વગેરે નવલકથાકારની પ્રવિધિ સાથે સંકળાયેલાં તત્ત્વો છે. સમગ્ર અખિલાઈના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞાને કોઈએક અંશમાં પ્રભાવ માટે પ્રયોજાતી રચનાપ્રયુક્તિ(Device) સાથે ગૂંચવવાની જરૂર નથી. ચં.ટો.