ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રસ્તાવના


પ્રસ્તાવના : સંસ્કૃત નાટકમાં નાન્દીપાઠ પછી થતી પ્રસ્તાવનામાં નટી, વિદૂષક કે પારિપાર્શ્વિક સૂત્રધાર સાથે થતા વાર્તાલાપ દ્વારા નાટ્યવસ્તુનો પરિચય આપે છે; જેમાં વાચિક અભિનય પ્રધાન હોય છે. નાટકમાં પાત્રપ્રવેશના આધારે પ્રસ્તાવનાના ‘દશરૂપક’કારે ત્રણ ભેદ દર્શાવ્યા છે : સૂત્રધારના વાક્ય કે એનો અર્થ લઈને ‘મુદ્રારાક્ષસ’ કે ‘વેણીસંહાર’માં થાય છે તેવો પાત્રપ્રવેશ કથોદ્ઘાતક છે; ઋતુવર્ણનના સામ્ય આધાર પર ‘પ્રિયદર્શિકા’માં થાય છે તેવો પાત્રપ્રવેશ પ્રવર્તક છે; તો સૂત્રધારની ‘આ આવી રહ્યો છે’ એવી પ્રત્યક્ષ સૂચના સાથે ‘અભિજ્ઞાન શાકુન્તલ’માં થાય છે તેવો પાત્રપ્રવેશ પ્રયોગાતિશય છે. ચં.ટો.

પ્રસ્તાવના (Foreword) : ‘પ્રાસ્તાવિક’, ‘ઉપોદ્ઘાત’, ‘પુરોવચન’, ‘પ્રાક્કથન’, ‘પ્રવેશક’, ‘આમુખ’ જેવી સંજ્ઞાઓ પણ આ સંજ્ઞાને સ્થાને પ્રયોજાય છે. આ સંજ્ઞા પુસ્તકના પ્રારંભે લેખક દ્વારા નહિ પરન્તુ જે તે વિષયના નિષ્ણાત દ્વારા પરિચયાત્મક કે પ્રશસ્તિવાચક મુકાતી નોંધ સૂચવે છે. એમાં પુસ્તકની સામગ્રી વિશે તેમજ એની ગુણવત્તા વિશે વાત કરી હોય છે. વાચક જે પુસ્તક વાંચવા જવાનો છે એને સમજવા માટેની યથાર્થ ભૂમિકામાં વાચક મુકાય એ એનું મુખ્ય ધ્યેય હોય છે. ચં.ટો.