ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બત્રીસી



બત્રીસી/દ્વાત્રિંશિકા : મધ્યકાલીન ગુજરાતી ભાષાનું પદ્ય-સાહિત્યસ્વરૂપ. સામાન્ય રીતે જેમાં બત્રીસ કડીઓ હોય અથવા બત્રીસ વાર્તાઓ હોય અથવા બત્રીસ ખંડો હોય એવી રચનાઓને ‘બત્રીસી’ નામ આપવામાં આવ્યું છે. જોકે બત્રીસ કડીઓવાળી રચનાઓની સંખ્યા વિશેષ છે. જેમકે ‘પૂજા બત્રીસી’ ‘સંવેગ બત્રીસી’ ‘અગિયાર બોલની બત્રીસી’ વગેરે. ‘સિંહાસન બત્રીસી’ અથવા બત્રીસ પૂતળીની વાર્તા’ માં બત્રીસ વાર્તાઓ છે. ભોજરાજા ચમત્કારિક સિંહાસને બેસવા જાય છે. ત્યારે સિંહાસનની દરેક પૂતળી તેમને એક-એક કરીને બત્રીસ વાર્તા કહે છે. ‘નંદબત્રીસી’ અપવાદરૂપ (બત્રીસી) રચના છે. તેમાં બત્રીસ કડી, વિભાગ કે બત્રીસ વાર્તા નથી. પરંતુ તે ‘બત્રીસી’ શીર્ષક ધરાવે છે. કૃતિમાં ક્યારેક મર્મોક્તિ રૂપે આવતા બત્રીસ દોહરાને કારણે પણ કૃતિનું શીર્ષક ‘બત્રીસી’ બન્યું છે. આ પ્રકારની રચનાઓ મોટે ભાગે ઉપદેશાત્મક હોય છે. જેમકે ‘શીલ બત્રીસી’ ‘સંયમ બત્રીસી’ ‘ઉપદેશરસાલ બત્રીસી’ ‘સુગુણ બત્રીસી’ વગેરે. કાંતિવિજયની ‘હીરોવેધ બત્રીસી’ (ર.સં. ૧૭૪૩)માં ગામ નામોની યાદી દ્વારા શ્લેષપૂર્વક મંદોદરીએ રાવણને શિખામણ આપી છે. આ વિલક્ષણ નિરૂપણરીતિને કારણે આ રચના ધ્યાનપાત્ર બને છે. ‘ભરડક બત્રીસી રાસ’ (ર.સં. ૧૫૮૮) એક જુદી તરી આવતી રચના છે. આ કૃતિઓ શૈવપૂજારીઓથી ભરડાઓની મૂર્ખતા અને દુરાચારને લગતી કટાક્ષકથા રજૂ થઈ છે. જૈન-જૈનેતર બંને કવિઓએ આ પ્રકારની રચનાઓ આપી છે. પરંતુ જૈન કવિઓનું પ્રદાન એમાં વિશેષ રહ્યું છે. કી.જો.