ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બૃહતસંહિતા



બૃહત્સંહિતા : વરાહમિહિર(છઠ્ઠી સદી)નો ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર વિષયક તેમજ પોતાના સમયની સર્વ વિદ્યાઓનો આકર ગ્રન્થ. હવામાન, ખગોળ, જ્યોતિષ, કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાસ્તુવિદ્યા, સામુહિકશાસ્ત્ર, સમાજશાસ્ત્ર સ્થાપત્ય, પ્રાણીશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર વગેરેનું એમાં નિરૂપણ છે. આર્યા છંદનો બહુધા પ્રયોગ હોવા છતાં અન્ય ૬૩ છંદોમાં લખાયેલા આ ગ્રન્થનું ૧૦૬ અધ્યાયોનું વિશાળ કદ છે. એમાં આવરેલા વિષયો આ પ્રમાણે છે : ફલિત જ્યોતિષની મહત્તા અને પ્રસિદ્ધિનાં કારણો; સૂર્યની ગતિનો બ્રહ્માંડમાં સચરાચર પર પ્રભાવ; ભારતીય ભૂગોળનું રેખાચિત્ર; પ્રત્યેક ગ્રહના રક્ષણાત્મક પ્રભાવમાં આવનાર. દેશ-લોકો-વસ્તુઓ, ગ્રહગતિની યુદ્ધ-આગ-દુષ્કાળ રાજ્યહાનિ વગેરે ઊથલપાથલ જેવી અસરો; રાજ્યલાભના યોગો; સંવત્સરોનાં શુભાશુભ ફળો; ઋતુનાં લક્ષણો; પાકની સફળતા; બાવ વધારા અને ઘટાડા તથા વસ્તુની અછતની આગાહીઓ; વાસ્તુવિદ્યા (બાગબગીચા-ભવન-નિર્માણમાં ફલિત જ્યોતિષનો પ્રભાવ; પશુપંખી-મનુષ્ય-સ્ત્રી-યાન-વાહન છત્રનાં લક્ષણો.) ગ્રીકશબ્દોના પ્રયોગોથી ભારતીય જ્યોતિષ પર ગ્રીકઅસરનો અહીં પુરાવો મળે છે. જ્યોતિષ સાથે અન્ય સિદ્ધાન્તોનું સંકલન કરવાનો પ્રશંસનીય ઉપક્રમ સમય અને ગાણિતિક માહિતીની ચોકસાઈ આ ગ્રન્થની વિશેષતાઓ છે. હ.મા.