ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બૃહત્કથા



બૃહત્કથા : ગુણાઢ્ય (ઈ.સ. ૫૦૦ પૂર્વે)નો પૈશાચી ભાષામાં લખાયેલો વાર્તાઓનો સંગ્રહ. એનું મૂળ રૂપ ‘વડ્ડુકહા’ નષ્ટ થઈ ચૂક્યું છે. પૈશાચી ભાષાની સાથે લોકકથાઓનો આ અમૂલ્ય ખજાનો લુપ્ત થવા છતાં પ્રભાવક ગદ્યકૃતિ તરીકે એની નામના છે. એક રીતે જોઈએ તો ગુણાઢ્યે આ દ્વારા પૈશાચીને શિષ્ટભાષા બનાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરેલો. એના ત્રણ સંસ્કૃત અનુવાદ મળે છે : બુદ્ધસ્વામીકૃત ‘બૃહત્કથા શ્લોકસંગ્રહ’ (૮મી-૯મી શતાબ્દી); ક્ષેમેન્દ્રકૃત ‘બૃહત્કથામંજરી’ (અગિયારમી સદી) અને સોમદેવકૃત ‘કથાસરિત્સાગર’ (અગિયારમી સદી). ‘બૃહત્કથા શ્લોકસંગ્રહ’ બુધસ્વામી દ્વારા ૨૮ સર્ગમાં વિસ્તરેલું બૃહત્કથાનું નેપાલી સંસ્કરણ છે. એમાં ૪૫૩૯ શ્લોકો છે, અને અપૂર્ણ સ્વરૂપમાં મળે છે. ‘બૃહત્કશામંજરી’ લુપ્ત બૃહત્કથાને ૧૭૮ લમ્બકમાં રજૂ કરે છે. પ્રારંભે કથાપીઠમાં ગુણાઢ્યની કથા બાદ સહસ્ત્રાનીક કથા, ઉદયનની કથાઓ, તેના પુત્ર નરવાહનનાં અદ્ભુત સાહસો, નરવાહન દત્તને ગાંધર્વોના સમ્રાટની પદપ્રાપ્તિ, નરવાહન દત્તનાં મદનમંચૂકા નામની કલિંગની રાજકન્યા સાથે લગ્ન – એમ મુખ્યકથા સાથે જોડાતી અનેક અવાન્તર કથાઓ અહીં છે. ઉપરાંત વૈતાલપંચવિંશતિ કથા-સાહિત્યની સંખ્યા આખ્યાયિકાઓ સમાવિષ્ટ છે; અને અગ્નિ, અગ્નિગર્ભ, અગ્નિશર્મા, અગ્નિશિખથી માંડીને હેમપ્રભ, હેમપ્રભા સુધીનાં ૬૦૦ ઉપરાંતનાં પાત્રો છે. અલબત્ત, સંક્ષેપને લીધે મૂળકથાવસ્તુ તથા મૂળગ્રન્થનું સ્વરૂપ સમજવામાં થોડી મુશ્કેલી પડે છે. વૈદિક, પૌરાણિક, બૌદ્ધ આખ્યાનો અને લોકકથાઓનું મિશ્રણ, વિક્રમાદિત્યનાં ઉપાખ્યાનોની લાંબી હારમાળા, કથાઓમાં કાળક્રમનો વારંવાર થતો ભંગ, ૧૮મા લમ્બકની અસુવિધાજનક ગોઠવણી – વગેરે કાશ્મીરી સંસ્કરણમાં દેખાતા દોષો પણ અછત્વ નથી રહેતા. ટૂંકમાં, મૂળ ગ્રન્થની અસંબદ્ધતાને દૂર કરનારી પ્રતિભાનો ક્ષેમેન્દ્રમાં અભાવ છે. આમ છતાં અનુષ્ટુપ છંદની પ્રવાહિતા વિવિધરસસહિતની કથાઓ, સરલ રજૂઆત, બૃહત્કથા જ્યારે અપ્રાપ્ય છે ત્યારે, રૂપાન્તર દ્વારા મહાનકૃતિનું સંસ્કૃતમાં આચમન કરાવવાનો સ્તુત્ય પ્રયત્ન, કથાઓનો વ્યાપક ભંડાર, રામાયણ જેવી પ્રવાહી શૈલી, કર્ણમધુર પદાવલી – આ બધાં તરફ દુર્લક્ષ કરી શકાય તેમ નથી. ‘બૃહત્કથા’નો સૌથી પ્રચલિત સોમદેવકૃત સંસ્કૃત અનુવાદ ‘કથાસરિત્સાગર’ ૧૮ ખંડોમાં અને ૧૨૪ તરંગોમાં તેમજ ૨૪૦૦૦ શ્લોકોમાં વિસ્તરેલો છે. વિશ્વની ઉપલબ્ધ કથાઓનો સૌથી બૃહદ આ સંગ્રહ છે. અરેબિયન નાઈટ્સની ઘણી કથાઓનો મૂળ સ્રોત એમાં છે; અને તુર્કી તેમજ ફારસી લેખકો દ્વારા એનાં વાર્તાબીજો પશ્ચિમમાં બોકાસિયો, ચોસર, લા ફોન્તેન અને અન્ય સુધી પહોંચેલાં છે. કથાનકને આકર્ષક અને રોચક રીતે કહેવા પ્રતિ લેખકનું મુખ્ય લક્ષ્ય છે. અને બાહ્ય આડંબરને સ્થાને મૂળ વસ્તુની રક્ષા કરવાનો એમાં વિશેષ પ્રયાસ છે. હ.મા.

બૃહત્કથા જુઓ, ગદ્યકાવ્યભેદ