ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બ્રધર્સ કારામાઝોવ



બ્રધર્સ કારામાઝોવ : રશિયન નવલકથાકાર ફયોદોર દોસ્તોયવસ્કી (૧૮૨૧-’૮૧)ની તેમના જીવનના અંત ભાગમાં લખાયેલી કૃતિ. નવલકથાનું વસ્તુ મુખ્યત્વે એક ખૂનના બનાવની આસપાસ વિસ્તરે છે. વાસ્તવમાં ગુન્હો અને ગુન્હેગારની શોધ – એવા કથાબીજને આ નવલકથા ક્યાંય અતિક્રમી જઈ માનવમનની ગહેરાઈઓને સ્પર્શે છે. કૃતિમાં જેનું ખૂન કેન્દ્રમાં છે તે છે ફયોદોર કારામાઝોવ, લોભી, લુચ્ચો વાસનાભર્યો જીવ છે. તેને ત્રણ દીકરા છે. પહેલો દમિત્રી, તેની પહેલી પત્નીથી મળેલો. બીજા બે, ઇવાન અને અલ્યોશા, બીજી પત્નીથી. આ ઉપરાંત એક સ્મેરદીયાકોવ નામનું ફયોદોરનું સંતાન છે જે તેની વાસનાનું ગેરકાયદે ફરજંદ છે. દમિત્રી, ઇવાન અને અલ્યોશા – એ ત્રણે પ્રકૃતિએ ભિન્ન છે. દમિત્રી લશ્કરમાં છે, છાકટો છે, છતાં તેમાં સારા ઉન્મેષો પણ છે. ઇવાન બુદ્ધિશાળી છે, સ્વમાની, સાવચેત છે, સંવેદનોનો ચાહક છે. અલ્યોશા ઓછાબોલો, અંતર્મુખ, ધર્માભિમુખ એવો છે. સ્ત્રીપાત્રોમાં ગ્રુશેન્કા નામની સ્વૈર આચાર કરતી એક સ્ત્રી છે જેમાં દમિત્રી અને ફયોદોર, એમ પુત્ર-પિતા બન્ને સંડોવાયા છે. એક કાત્યા નામનું પાત્ર છે જેના તરફ દમિત્રી અને ઇવાન બન્ને આકર્ષાય છે. સ્મેરડિયાકોવ તર્કશીલ, ગણતરીબાજ, રાક્ષસી પ્રકૃતિનું પ્રતીક છે. ફયોદોરની વાસનાનું ફરજંદ આ પાત્ર પિતા ફયોદોરનું ખૂન કરે છે, અને સંવેદનશીલ ઇવાન તેમાં પોતાની સીધી નહીં તો પરોક્ષ સંડોવણી સ્વીકારે છે. માનવમનમાં પડેલું પાપ-ભાન, અને તેમાંથી જન્મતી દ્વિધા, આ સ્થળે કૃતિમાં પડછાય છે. ઇવાને લખવા ધારેલી ‘ધી લેજેન્ડ ઑફ ધ ગ્રાન્ડ ઈન્ક્વિઝીટર’ નામક કાવ્યકૃતિ જેમાં ક્રાઈસ્ટ અને ઇહલોકનાં મૂલ્યોથી ગ્રસ્ત એક ધર્મગુરુ વચ્ચે સંવાદ છે, તે નવલકથાના સમગ્ર દર્શનના કેન્દ્રમાં છે. ઉપરાંત સહુથી નાના ભાઈ અલ્યોશાનો આત્મવિકાસ પણ નવલકથાના ફલકનું મહત્ત્વનું વિશિષ્ટ અંગ છે. પિતૃહત્યાના પ્રસંગની આસપાસ વિસ્તરતી આ કૃતિમાં દોસ્તોયવસ્કીએ તત્કાલીન રશિયન સમાજ ઉપરાંત માનવ આત્માનાં સનાતન સત્યોનો તાગ કાઢ્યો છે. દિ.મ.