ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બ્રહ્મસૂત્ર



બ્રહ્મસૂત્ર : ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ્ ભગવદ્ગીતા – તત્ત્વજ્ઞાનના આ ત્રણ અતિ પ્રસિદ્ધ અને પ્રમાણભૂત ગ્રન્થો છે, જે ‘પ્રસ્થાનત્રયી’ તરીકે ઓળખાય છે. અલ્પાક્ષરી વાક્યોને ‘સૂત્ર’ કહે છે. થોડા શબ્દમાં સઘળા અર્થ એમાં સૂચવાય છે. શિષ્યો ગુરુએ આપેલો બધો ઉપદેશ મનમાં ગોઠવી શકે એ હેતુથી આ સૂત્રો રચાયેલાં છે. બાદરાયણ દ્વારા ઈ.સ. પૂર્વે ૨૦૦ અને ૪૫૦ વચ્ચે રચાયેલાં સૂત્રો પાછળ ઉદ્દેશ્ય એ હતો કે ઉપનિષદોમાં જે દ્વૈતવાદી સાંખ્યમત છે તેનું ખંડન કરવું અને અદ્વૈતનું મંડન કરવું; તથા કર્મકાંડનો નિરાસ કરી જ્ઞાનકાંડનું પ્રતિપાદન કરવું. અવૈદિક દર્શનો જેવાં કે ચાર્વાક, જૈન, બૌદ્ધ, વગેરેનું ખંડન કરવાનો પણ તેની રચના પાછળ આશય હતો. બ્રહ્મસૂત્રનો મૂળ ગ્રન્થ ચાર અધ્યાયમાં અને પ્રત્યેક અધ્યાય ચાર ચાર પાદમાં ગ્રથિત છે, પ્રત્યેક પાદમાં પ્રતિપાદ્ય વિષયને લગતો સૂત્રસમૂહ તે ‘અધિકરણ’ કહેવાય છે. પ્રત્યેક અધિકરણના સૂત્ર અથવા સૂત્રસમૂહમાં મૂળ શ્રુતિનું વિષયવાક્ય, તેના અર્થમાં વિવાદના સ્થાનરૂપે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ, તેમાં સંદેહનું ઉત્થાન, પૂર્વપક્ષનું મંડન, અને પછી તર્ક વડે તેનું ખંડન અને છેવટે સિદ્ધાંતનું પ્રતિપાદન કરી ન્યાયનિર્ણય કરવામાં આવે છે. બ્રહ્મસૂત્રો ઉપર આદિ શંકરાચાર્ય રામાનુજાચાર્ય, નિમ્બાર્ક, વલ્લભ, બળદેવ વગેરે ૧૭ જેટલા આચાર્યોએ ભાષ્યો રચ્યાં છે. તેમાં કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત વગેરે મતો દર્શાવવાનો જુદા જુદા આચાર્યોએ પ્રયત્ન કર્યો છે. ચી.રા.