ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભામિનીવિલાસ

From Ekatra Wiki
Revision as of 12:48, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભામિનીવિલાસ'''</span> : પંડિતરાજ જગન્નાથનો “રસગં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભામિનીવિલાસ : પંડિતરાજ જગન્નાથનો “રસગંગાધર”માં ઉદાહરણો આપવા લખાયેલા શ્લોકોનો સંગ્રહ. મુક્તકસાહિત્યમાં નોંધપાત્ર સત્તરમી સદીના પૂર્વાર્ધની આ રચના પ્રાસ્તાવિકવિલાસ (૧૨૯ શ્લોકો), શૃંગાર વિલાસ (૪૬ શ્લોકો), કરુણ વિલાસ (૧૯ શ્લોકો), શાંતવિલાસ (૪૬ શ્લોકો) એમ ચાર ખંડમાં વહેંચાયેલી (૩૭૭ શ્લોકો) છે. પ્રથમ ખંડમાં સિંહ, હાથી, દેડકાં, ભ્રમર, ચન્દ્ર, સૂર્ય, સર્પ, સમુદ્ર, કોયલ વગેરે વિશેની અન્યોક્તિઓ તેમજ અપ્રસ્તુતપ્રશંસા અલંકારના મધુરસવતી શૈલીના શ્લોકો છે. બીજા ખંડમાં શિષ્ટશૃંગારરસવાળા પ્રાસાદિક શૈલીવાળા શ્લોકો છે. ત્રીજા ખંડમાં ભામિની (જગન્નાથની પત્ની?)ના મૃત્યુ અંગેની વસંતતિલકા (૧૮) અને માલભારિણી (૧) શ્લોકોમાં ઠલવાયેલી વેદના તેમજ બંધુરત્નના અવસાનના ઘેરા હૃદયદ્રાવક વિષાદની કરુણરસમય અભિવ્યક્તિ છે. ચતુર્થ ખંડમાં રાજદ્વારોના ખૂની ભપકાથી કંટાળેલા પંડિતરાજની શાંતિની ઝંખના છે. અન્ય કવિઓ આ શ્લોકોને પોતાને નામે ન ચડાવી દે એ સંગ્રહ પાછળનો ઉદ્દેશ છે. એકબીજાથી અલગ એવા ચાર વિભાગોમાં માધુર્યગુણવાળી શ્રવણરમણીય પદાવલીઓ છે, એમાં પ્રાસાદિક શૈલી, સુભગ અર્થબોધ, કોમલવર્ણપદાવલિના પ્રાસ, અર્થચમત્કૃત્તિ અને શબ્દચમત્કૃતિ જેવી નોંધનીય સિદ્ધિઓ છે. સાયાસ શબ્દરચના, વિચારોનું પુનરાવર્તન, શબ્દાળુતા, પાંડિત્ય પ્રદર્શનનો મોહ, દરબારી કવિતાનાં લક્ષણો, માધુર્યનો અતિરેક, રસ અને ધ્વનિની ક્યાંક ઉપેક્ષા એની મર્યાદાઓ છે. છતાં મુક્તક – સાહિત્યમાં આ સંગ્રહનું સ્થાન ઉલ્લેખનીય છે. હ.મા.