ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મધ્યકાલીન સાહિત્યમાં ગુજરાતી સંસ્કૃતિ


મધ્યકાલીન સાહિત્યમાં ગુજરાતી સંસ્કૃતિ : અશોકના ગિરિનગર ખાતેના શિલાલેખ અને મૈત્રકકાલીન રાજધાની વલ્લભીના કેન્દ્રસ્થાનેથી આરંભાઈ, ત્યાંથી શ્રીમાલ/ભિન્નમાલ થઈ અણહિલપુર પાટણ જેવા, સાર્વભૌમ રાજકીય સત્તાના કેન્દ્રમાં ગુજરાતી સંસ્કૃતિ એની ઉન્નતિની ચરમ કોટિએ પહોંચે છે. એના સાંસ્કૃતિક વ્યક્તિત્વને કારણે ગુજરાત ‘વિવેકબૃહસ્પતિ’, ‘ઊર્વીસાર અને ‘गरुओ गुज्जरदेसो।’નાં બિરુદ પામે છે. સાહિત્યમાં એનું પ્રતિબિંબ સુચારુરૂપમાં ઝિલાય છે. હેમચન્દ્રયુગ અને વસ્તુપાળયુગમાં એનું એક સમુજ્જ્વળ સર્વાંગી રૂપ પ્રકાશે છે, જ્યારે અલાઉદ્દીનના આક્રમણ અને હિન્દુરાજપૂત વંશના અસ્ત પછીના ખાસ કરીને નરસિંહથી શરૂ થતા જેને પ્રચલિત અર્થમાં ‘મધ્યકાલીન’ કહેવામાં આવે છે અને જે દયારામના અવસાન સુધી લંબાય છે તે યુગમાં એનું સીમિત અને મુખ્યત્વે ધર્મવૈરાગ્ય-પ્રધાન એકદેશીય રૂપ પ્રકાશે છે. હેમચન્દ્રાચાર્યના પ્રાકૃત અપભ્રંશ વ્યાકરણના અને મેરુતુંગસૂરિના ‘પ્રબંધચિંતામણિ’ના અપભ્રંશ દૂહાઓમાં આપણને પ્રેમ, શૌર્ય, દાનવીરતા, નીતિ અને ધર્મપરાયણતાના ગુણોથી અંકિત સંસ્કૃતિનું શ્રીભર્યું પ્રતિબિંબ ઝિલાતું દેખાય છે. ‘શ્રીમાલપુરાણ’, ‘પ્રભાવકચરિત’, ‘કીર્તિકૌમુદી’, ‘તીર્થકલ્પતરુ’, ‘જંબુસામિય ચરિત’, ‘રેવંતગિરિરાસુ’, ‘ગૌતમસ્વામીરાસ’, ‘નેમિનાથ ચતુષ્પાદિકા’, ‘વસંતવિલાસ ફાગુ’, ‘રણમલ્લછંદ’, ‘પૃથ્વીચંદ્રચરિત’, ‘સંદેશકરાસ’, ‘હંસાઊલિ’, ‘સદયવત્સચરિત’, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ જેવી પ્રતિનિધિ કૃતિઓમાં ગુજરાતની સાંસ્કૃતિક વ્યક્તિતાના સર્વઅંશો પ્રગટ થયા છે. દુહા જેવા મુક્તક સ્વરૂપથી માંડી પ્રબંધ, રાસા, ફાગુ, મહાકાવ્ય, પ્રશસ્તિકાવ્ય, નાટક, ખંડકાવ્ય, સ્તોત્ર, સૂક્તિ, ટીકા અને બોલી જેવા પ્રકારોમાં આ યુગોનું સાહિત્ય રચાયું છે. હેમચંદ્ર, રામચંદ્ર, સોમેશ્વર પુરોહિત, વસ્તુપાળ, કવિબાલચંદ્રનાનાક, જિનપ્રભસૂરિ, નરચન્દ્રસૂરિ, અમરચંદ્રસૂરિ, અરિસિંહ, સુભટ હરિહર, જયશેખરસૂરિ જેવા અનેક પ્રતિભાસંપન્ન કવિઓને હાથે ઉત્તમ રચનાઓ થઈ છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં આ સાહિત્ય ખેડાયું છે. સમૃદ્ધ અર્થતંત્ર અને સમર્થ રાજ્યદંડની સહાયક પૃષ્ઠ ભૂમિકા સંસ્કૃતિ અને સાહિત્યના પોષણ માટે સતત પ્રાપ્ત થતી રહી છે. આ સાહિત્ય ઉદાત્ત ભાવનાઓથી સભર છે જે સાંસ્કૃતિક ઉન્નતિનું પ્રમાણ છે. પરંતુ નરસિંહ મહેતાથી આરંભ પામતાં સાહિત્યનાં સ્વરૂપોમાં પ્રબંધ, રાસ, ફાગુ આખ્યાયિકા, મહાકાવ્ય, પ્રશસ્તિકાવ્ય, નાટક વગેરે જેવાં પ્રગલ્ભ સાહિત્ય સ્વરૂપો ગૌણ બની જાય છે. પદ, ચોપાઈ, છપ્પય, કાફી, થાળ, આરતી, ગરબા, ગરબી જેવાં ઊર્મિપ્રધાન અને વ્યક્તિનિષ્ઠ, સાહિત્ય સ્વરૂપો પ્રધાન બની જાય છે. સંસ્કૃતિના ભૌતિક અને આધ્યાત્મિક બંને પુરુષાર્થોને આવરી લેતા સર્વાંગી આદર્શને બદલે કેવળ ધર્માભિમુખ એકદેશીય પુરુષાર્થનો આદર્શ આ યુગના સાહિત્યમાં દેખાય છે, જે સંકોચાયેલી, સીમિત થઈ ગયેલી, પરાભવ અને વિધર્મી શાસનથી દબાયેલી સંસ્કૃતિના સ્વરને પ્રગટ કરે છે. મુસલમાન પાદશાહ અલાઉદ્દીનમાં રુદ્રનું રૂપ જોતા પદ્મનાભનું ‘કાન્હડદેપ્રબંધ’ એનું ઉદાહરણ છે. આ યુગમાં જૈન મુનિઓ અને કથાકાર બ્રાહ્મણ પંડિતો ઉપરાંત જનસામાન્યના, લોકવર્ણના સમૂહોમાંથી નીકળી આવેલા ભક્તકવિઓ પણ સાહિત્યસર્જન કરતા માલૂમ પડે છે. આ યુગમાં સમર્થ અર્થતંત્ર અને રાજ્યતંત્રનું પ્રોત્સાહન નથી. ધર્મ, કળા અને વિદ્યાનો ‘શ્રી’ માટે, મુસલમાન પાદશાહો અને સૂબાઓ તરફથી નહિવત્ પ્રયાસ થાય છે. પરિણામે સંસ્કૃતિનાં મૂળનાં સિંચન-પોષણ થંભી જાય છે. સાહિત્યમાં એની અસર સ્પષ્ટ વર્તાય છે. નરસિંહથી દયારામ સુધીના સાહિત્યમાં શાસ્ત્રીય ધર્મ નિરૂપણ કરતાં અનેકમુખી ભક્તિધારાઓનું નિરૂપણ વિપુલ પ્રમાણમાં છવાઈ જતું માલૂમ પડે છે. વૈષ્ણવભક્તિ અષ્ટછાપ પ્રેમલક્ષણા – ભક્તિપ્રવાહ એમાં પ્રધાન સ્થાન ભોગવે છે, જેના બે ઉત્કૃષ્ટ પ્રતિનિધિઓ નરસિંહ અને દયારામ છે. શક્તિપૂજાનો ભક્તિપ્રવાહ પણ તરત જ નજર ખેંચે છે. – જેમાં અંબિકા, ભવાની, ચામુંડા, બહુચરાજીની ભક્તિનાં પદો, ગરબા-ગરબીઓ ખાસ્સી માત્રામાં રચાયેલાં માલૂમ પડે છે. જ્ઞાનમાર્ગી કવિતાપ્રવાહ પણ નાનકડો છતાં સંગીન અને ગૌરવપૂર્ણ સ્થાન લેતો માલૂમ પડે છે. કબીર અને નાથ સંપ્રદાયના પ્રભાવ તળે વિકસેલો યોગ, ધ્યાનનો પ્રવાહ – ભક્તિપ્રવાહ પણ આકર્ષણ જમાવતો પ્રગટ થયો છે. સ્વામીનારાયણ સંપ્રદાય-ઉદ્ધવ સંપ્રદાયની સાત્ત્વિક ભાવનાઓથી ભરેલી સંગીતમય પદરચનાઓનો પ્રવાહ પણ સાહિત્યને સમૃદ્ધ કરતો નજરે પડે છે. શ્રીધર, ભાલણ, પ્રેમાનંદ, વલ્લભધોળા, બોડાણો, અખો, ગોપાલ, માંડણ, નરહરિ, કાયસ્થ ભગવાનદાસ, મીઠુ, નાથભવાન, રણછોડજી દીવાન, રવિસાહેબ, ભાણસાહેબ, ખીમસાહેબ, બ્રહ્માનંદ, નિષ્કુલાનંદ, મુક્તાનંદ, ‘પ્રેમસખી’ – પ્રેમાનંદ જેવા અનેક ભક્તકવિઓ આ ભક્તિ-ધારાઓનું પ્રતિનિધિત્વ કરતા નજરે પડે છે. આખ્યાનો અને પદ્યવાર્તાઓના નવાં વિકસી આવેલાં સાહિત્યસ્વરૂપો પુરાણો અને મહાભારતનાં ઉપાખ્યાનો તથા કલ્પનાવિલાસી મનોરંજક વાર્તાઓનો ખજાનો ખુલ્લો મૂકી દે છે. પ્રેમાનંદ અને શામળ આ ક્ષેત્રના સર્વજનપ્રિય સર્વોચ્ચ પ્રતિનિધિઓ છે. એમનાં આખ્યાનો અને પદ્યવાર્તાઓમાં અપકર્ષ પામેલી સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝિલાય છે. નારી તરફની ભર્ત્સના જેવું સંસ્કૃતિના અપકર્ષનું લક્ષણ આ સાહિત્યમાં સુપેરે પ્રગટ થયું છે. ઉદાત્ત જીવનભાવનાઓ અને સ્વાધીન સમુલ્લાસને બદલે મધ્યમવર્ગીય અને બાલબોધ કોટિના સ્તર પર ઊતરી ગયેલું સાંસ્કૃતિક સ્તર આ સાહિત્યમાં પ્રતિબિંબિત થયું છે. મૌલિક કરતાં પ્રાચીન સંસ્કૃત સાહિત્ય ઉપરનો પરોપજીવી આશ્રય એ પણ આપણી સર્જકતાની દ્વૈતીયિક કોટિનું લક્ષણ આ મધ્યકાલીન સાહિત્યમાં સંસ્કૃતિના પુરાણપણાનું પ્રતિબિંબ બનીને પ્રગટ થતું જણાય છે. દિ.શા.