ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માર્કસ

From Ekatra Wiki
Revision as of 09:40, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


માર્ક્સ : (૧૮૧૮-૧૮૮૩) વીસમી સદી પર મહત્ત્વનો પ્રભાવ પાડનાર આ જર્મન રાજનૈતિક ફિલસૂફનું મૂળ નામ હેન્રિખ કાર્લ માર્ક્સ છે. બૉન અને બર્લિનની યુનિવર્સિટીમાં કાયદાના અભ્યાસ સાથે ઇતિહાસ અને ફિલસૂફી તરફ આકર્ષાયેલા માર્ક્સ હેગલથી અત્યંત પ્રભાવિત હતા. ઉગ્ર વિચારધારાને કારણે શિક્ષણજગતમાં પ્રવેશ ન મળતાં પત્રકારત્વને કારણે પેરિસ, ત્યાંથી પ્રૂસિયા ત્યાંથી ફરી પેરિસ અને છેવટે ૧૮૪૯ પછી લંડનમાં સ્થાયી વસવાટ કર્યો છતાં વિરોધાભાસ એવો છે કે એમનો ક્રાંતિકારી પ્રભાવ રશિયા અને દૂરના પૂર્વ યુરોપમાં જઈને પડ્યો. મિત્ર એંજિલની વારંવારની મદદ છતાં અસહ્ય ગરીબીમાં ૬૫ વર્ષની ઉંમરે એમનું મૃત્યું થયું. હેગલના દ્વન્દ્વાત્મક અધ્યાત્મવાદને વિસ્તારી દ્વન્દ્વાત્મક ભૌતિકવાદની સમજ સાથે એમણે બહાર પાડેલો ‘સામ્યવાદનો ખરીતો’(૧૮૪૭) અને આ પછી વીસ વર્ષે ’ડાસ કાપિટાલ’નો પહેલો ખંડ(૧૮૬૭) તેમજ મિત્ર એંજલ દ્વારા સંપાદિત એના બીજા બે ખંડ(૧૮૮૫, ૧૮૯૪) શોષણરહિત અને વર્ગરહિત સમાજ માટે ક્રાંતિનો પુરસ્કાર કરે છે. ક્રાંતિની પદ્ધતિઓ અને એનાં સાધનોનું અહીં વિસ્તૃત વિવરણ છે. ચં.ટો.