ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માલતીમાધવ

Revision as of 09:45, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માલતીમાધવ'''</span> : યુવાપ્રણયને આલેખતું દસ મુખ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માલતીમાધવ : યુવાપ્રણયને આલેખતું દસ મુખ્ય રૂપકપ્રકારોમાંનું એક ‘પ્રકરણ’ પ્રકારનું દસ અંકનું આ ‘માલતીમાધવ’ નાટક સંસ્કૃત સાહિત્યને ભવભૂતિની એક વિશિષ્ટ દેણગી છે. નાટ્યકારે ‘માલતીમાધવ’માં રાજા-રાણીને નાયકનાયિકા પદેથી હટાવી દઈને, મંત્રીપુત્રપુત્રી માધવમાલતીને નાયકનાયિકા પદે તેમજ નાયકનાયિકાનાં મિત્રો મકરંદ-મદયન્તિકાને સહનાયકનાયિકાપદે સ્થાપીને નાટકમાં આમ સામાજિક (plebian) વાતાવરણ ખડું કર્યું છે. અનભૂતિની તીવ્રતા અને અભિવ્યક્તિની તાજગી પણ કૃતિને અન્ય શૃંગારિક નાટકોથી અલગ તારવે છે. સંસ્કૃત નાટ્યસાહિત્યમાં ‘માલતીમાધવ’ના નાયક માધવની જેમ બહુ ઓછા નાયકો પોતાની પ્રણયાનુભૂતિને આમ સચ્ચાઈપૂર્વક ઉદ્ગારી શકે છે કે ‘આ જન્મમાં તો પોતે આવા અનુભવને પંથે કદી ચઢ્યો નથી.’ ‘માલતીમાધવ’ શૃંગારરસપ્રધાન નાટક ખરું, પણ અહીં શૃંગાર કૌતુકરાગ (romantic)નું રૂપ ધારણ કરીને આવે છે. દસ અંકોના મોટા ફલક પર પથરાયેલા કથાવસ્તુના સંવિધાનમાં ક્યાંક શિથિલતા વર્તાય પણ સઘન અને ઉત્કટ અનુભૂતિઓ તેમજ પ્રકૃતિચિત્રણમાં નાટકકારની પ્રતિભા વ્યક્ત થતી જોઈ શકાય છે. વિ.પં.