ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુક્ત પરોક્ષઉક્તિ

Revision as of 10:05, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુક્ત પરોક્ષઉક્તિ(Free Indirect Speech)'''</span> : ચાર્લ્સ બાલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મુક્ત પરોક્ષઉક્તિ(Free Indirect Speech) : ચાર્લ્સ બાલીએ આપેલી સંજ્ઞા. એને ‘મુક્ત પરોક્ષપ્રોક્તિ’(Free indirect discourse) પણ કહેવાય છે. આમ તો આ પરોક્ષઉક્તિનો એક વર્ગ છે પરંતુ એમાં પરોક્ષઉક્તિના ત્રીજા પુરુષને અને ભૂતકાળને પ્રત્યક્ષઉક્તિનાં વિન્યાસ સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિની શક્યતાઓ અને એના શબ્દક્રમ સાથે સંયોજિત કરવામાં આવે છે. આથી એમાં દૃષ્ટિબિન્દુ, નિરૂપણવિષયક આધિપત્ય અને મનોવાસ્તવની બૃહદ વિવેચનાત્મક સમસ્યાઓ પ્રવેશ પામે છે. એક રીતે જોઈએ તો એમાં દ્વિર્ભાવ છે; પાત્રની ઉક્તિને પણ એ રજૂ કરે છે અને નિરૂપકની ઉપસ્થિતિનાં એંધાણને પણ એ જાળવે છે. નિરૂપકનાં એંધાણ સમભાવ કે વ્યંગ દ્વારા વ્યક્ત થતા કાકુઓમાં કે મૂળની ઉક્તિની પુનરાવૃત્તિમાં નહીં પણ એની થતી પુનર્વ્યવસ્થામાં જોવા મળે છે. એટલેકે આ ઉક્તિઅંતર્ગતઉક્તિ છે અને ઉક્તિ અંગેની પણ ઉક્તિ છે. મિખાઈલ બખ્તિન અને વોલોશિનોવે એમના સંવાદપરક ભાષાસિદ્ધાન્તમાં મુક્ત પરોક્ષઉક્તિને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. મુક્ત પરોક્ષઉક્તિને ‘વક્તા-સંસક્તિ પ્રતિમાન’ તરીકે પણ ઓળખાવાય છે. યેસ્પર્સને એને ‘પ્રતિનિહિતઉક્તિ’(represented speech)ની સંજ્ઞા આપી છે. આ ઉપરાંત ‘Discours direct impropre’ (Kalik-Teliamicova); ‘Psuedo-objekitive Rede’ (Spitzer); ‘Semi indirect Style’ (Kruisinga); Independent form of indirect discourse (curme), ‘Narrated monologue’ (Cohn); ‘Substitutionary narration’ (Fehr, Hernadi); ‘Erlebte Rede’ (Lorck); ‘Rede als tatsache (Lerch); ‘Verschleierte Rede’ (Kalepky) વગેરે સંજ્ઞાઓ પણ પ્રચલિત છે. રરઘુવીર ચૌધરીની નવલકથા ‘ઇચ્છાવર’માંથી મુક્ત પરોક્ષઉક્તિનું ઉદાહરણ જોઈએ : ‘આમ ને આમ હેલી ચાલુ રહેશે તો ઘરનો કરો પડી તો નહીં જાય? માટીનો છે. ઉનાળામાં કરેલું લીંપણ ધોવાઈ ગયું છે. તિરાડ તો નહીં પડી હોય ને? પ્રવાહમાં પગ ટેકવીને એણે પાછળ જોયું. મકરોળની ટોચની પેલી પાર એને છેવાડાના ઘરનો મોભારો દેખાયો. ઊંટની પીઠ જેવો, ઝાંખોપાંખો. ઓતરાદી નજર કરી. દેવળની ધજા પલળીને એના સૂંવાળા દંડ સાથે વીંટળાઈ વળી હતી. બાપજી શું કરતા હશે? બપોરની સેવાની તૈયારી કરતા હશે? અત્યારે ઊંઘે એ બીજા...’ અહીં પાત્ર પૂનમ અને કથાનિરૂપક બંનેના અવાજનું સંયોજન સ્પષ્ટ જોઈ શકાય છે. ચં.ટો.