ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રઘુવંશ


રઘુવંશ : રઘુવંશે સહૃદયોની એટલી બધી પ્રીતિ પ્રાપ્ત કરી છે કે કાલિદાસ, રઘુકારથી ઓળખાય છે. મહાકાવ્યના સાહિત્યસ્વરૂપનો આદર્શ ‘રઘુવંશ’ રહ્યું છે. ૧૯ સર્ગના આ મહાકાવ્યમાં રઘુવંશ – જેના રામ પણ એક વંશજ હતા – નું અને તેથી, એક કરતાં વધારે નાયકોનું નિરૂપણ થયું છે. વિશાળ ફલક પર પથરાયેલા આ મહાકાવ્યમાં કુમારસંભવની જેમ કોઈ એક કેન્દ્ર નથી. પણ એ અનેક ચિત્રવીથિકાયુક્ત હોઈ મહાલય જેવું છે. રઘુવંશનું પ્રેરણાબિન્દુ રામાયણ છે. પૂર્વસૂરિઓએ એમાં માર્ગ આંકેલો છે. પોતે તો હીરાકણીથી વીંધાયેલા મણિઓમાં સૂત્ર પરોવવાનું જ કાર્ય કરે છે એવો કાલિદાસે નમ્ર રીતે એમાં આરંભ કરેલો છે. વ્યક્તિગત પ્રસંગોના આલેખનમાં મનુષ્યમનનાં સંચલનોને બરાબર પારખનારા મહાકવિની નિરૂપણપ્રતિભા નાટ્યોન્મેષ લઈને આવેલી છે. દિલીપ, રઘુ અજ, દશરથ જેવા રઘુવંશના રાજવીઓના વર્ણન પછી, ૧૧થી ૧૫માં ‘રમ્યા રામકથા’ નિરૂપાયેલી છે. ૧૬, ૧૭માં કુશ અને તેના પુત્ર અતિથિનું વર્ણન છે. ૧૮માં અતિથિ પછીના ૨૨ રાજાઓનું વર્ણન છે. અને છેલ્લા સર્ગમાં અત્યંત વિલાસી અને છેવટે ક્ષયગ્રસ્ત બનેલા એવા અગ્નિવર્ણના નિરૂપણ સાથે, ઉદાત્ત રાજવીઓથી આરંભાયેલું અને અગ્નિવર્ણ જેવા ક્ષુદ્ર રાજા સાથે આ મહાકાવ્ય પૂરું થાય છે. અને વંશની અવનતિનો વિષાદ જન્માવતું જાય છે. વિસ્તૃત પટ પર પથરાયેલા આ મહાકાવ્યમાં કાલિદાસની સર્ગશક્તિ ક્યાંય ઊણી પડતી જોવાતી નથી. પરિણામે ‘રઘુવંશ’ મહાકાવ્યના સાહિત્યસ્વરૂપની ચરમ સિદ્ધિ બન્યું છે. વિ.પં.