ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રેખતા


રેખતા : રેખતાનું મૂળ ફારસી શબ્દ ‘રેખતન્’માં છે. તેનો શાબ્દિક અર્થ શોધવું, બનાવવું, ફરમામાં ઢાળવું, યોગ્ય કરવું – વગેરે થાય છે. અમીર ખુસરોએ ફારસી અને ભારતીય છંદશાસ્ત્રના સુમેળથી નિપજાવેલો દુહા જેવો છંદ રેખતાના નામે ઓળખાયો, જે કાળક્રમે માત્ર છંદ ન રહેતા કાવ્યપ્રકાર – કાવ્યશૈલી તરીકે પ્રચલિત થયો. રેખતાની કાવ્યશૈલીની વિશેષતા એ છે કે તેમાં ઉર્દૂ ઉપરાંત મૂળ ભારતીય ભાષાનો મિશ્ર ઉપયોગ થાય છે. કબીર અને નાનક જેવા નિર્ગુણીયા સંતોએ એમની ભક્તિકવિતામાં રેખતાનો ભરપૂર પ્રયોગ કર્યો છે. ગુજરાતીમાં તે સધુક્કડી ભાષામાં રચાયેલી ભક્તિકવિતા તથા ભવાઈના વેશમાં આવતાં પદ્યો દ્વારા પહોંચ્યો છે. ર.ર.દ.