ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લલિતગદ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લલિતગદ્ય'''</span> : લેખકના વિચારજગતને બૌદ્ધિક ભ...")
 
No edit summary
 
Line 10: Line 10:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = લલિત અને લલિતેતર સાહિત્ય
|next = લાગણી
}}

Latest revision as of 12:36, 2 December 2021



લલિતગદ્ય : લેખકના વિચારજગતને બૌદ્ધિક ભૂમિકાએ રજૂ કરતું ચિંતનલક્ષી (રિફ્લૅક્ટિવ) ગદ્ય અને એના સંવેદનજગતને વિશિષ્ટ મન :સ્થિતિની ભૂમિકાએ વ્યક્ત કરતું વ્યક્તિત્વલક્ષી ગદ્ય એવી બે મુખ્ય તરેહોમાં બીજી તરેહ સર્જનાત્મક કે લલિત ગદ્યની ગણાય છે. ચિંતનલક્ષી ગદ્યમાં પણ વ્યક્તિત્વની વિશિષ્ટ મુદ્રા ઉપસાવતી સર્જનાત્મક ભાષાની કેટલીક રેખાઓ સંયોજાયેલી હોય ને લલિત ગદ્યમાં ચિંતનના તંતુ ચમકી જતા હોય પરંતુ બંનેમાં અભિગમનો ભેદ એનો મુખ્ય સ્વરૂપભેદ રચી આપનારો હોય છે. લલિતગદ્ય તર્કશૃંખલાથી વિકસવાને બદલે કલ્પનાશ્રય સ્વીકારતું હોય અને સામગ્રીલક્ષી કે વિષયલક્ષી નહીં પણ રસસૌન્દર્યલક્ષી રહેતું હોય. વિષય એને માટે કેવળ ઉડ્ડયન બિન્દુ (ટેકઑફ પોઈન્ટ) હોવાથી વિચાર કે સંવેદનજગતની કોઈપણ ઘટના એનો વિષય હોઈ શકે. વિવિધ મન :સ્થિતિઓને કલ્પનોમાં ઝીલીને ઊઘડતું એના સર્જકનું વિસ્મયપૂર્ણ તરલ ભાવજગત એનું આસ્વાદકેન્દ્ર હોય છે. પરોક્ષતા અને પરલક્ષિતા નહીં પરંતુ પ્રત્યક્ષતા અને આત્મલક્ષિતા લલિત ગદ્યનાં પ્રધાન લક્ષણો છે. એથી એ આત્મકથનાત્મક હોય છે; આ આત્મકથનમાં ‘હું’નો ભાર નહીં પણ ‘હું’ની વિશ્વસનીયતા હોય છે. કેમકે લેખક એમાં પ્રબોધક ઉચ્ચાસને નથી હોતો પણ વાચક સાથે મિત્રવત્ ગોષ્ઠી કરનાર કે જનાન્તિક પ્રેમોદ્ગાર કરનારની ભૂમિકાએ હોય છે. આથી બૌદ્ધિક પ્રભાવકતા નહીં પણ વ્યક્તિત્વનો સૂક્ષ્મ સ્પર્શ એનું પ્રયોજન ને એનું મુખ્ય લક્ષ્ય હોય છે. આવી વિશેષતાઓ ધરાવતું ગદ્ય લલિત નિબંધ રૂપે એક સર્જનાત્મક કલાસ્વરૂપ બને છે. સર્જકનું ભાવવિશ્વ પ્રત્યક્ષ ઇન્દ્રિયબોધથી વ્યક્ત થતું હોવાથી લલિતનિબંધ ઊર્મિકાવ્યની નજીક જતું કલાસ્વરૂપ ગણાયું છે. ઊર્મિકાવ્ય પદ્યલયાદિ પ્રયુક્તિઓ અને પ્રતીકાત્મક રૂપ દ્વારા સંકુલ બને અને લલિતનિબંધ આત્માભિવ્યક્તિનું પારદર્શક રૂપ બને એ બંને વચ્ચેનો પ્રધાન ભેદ છે. નિબંધનો કથક ક્યારેક સંસ્મરણોનાં કેટલાંક બિંદુઓને સ્પર્શે તો ક્યારેક એમાં સર્વથા કાલ્પનિક કે વ્યાપક રૂપનો ‘હું’ કથક હોય એ બાબત એને આત્મકથાથી અલગ રાખે છે. ક્યારેક નિબંધકારની મનોમુદ્રા વાર્તાકથન રૂપે પણ વ્યક્ત થયેલી હોય, પરંતુ નિબદ્ધ સ્વરૂપ રેખાઓને બદલે મોકળી અબદ્ધ સ્વૈર રેખાઓ એને ટૂંકી વાર્તાથી જુદું પાડનાર પ્રધાનતત્ત્વ બને છે. સંવેદનવિષય અને ભાષાનું મુખર-અર્ધમુખર વાક્ચાતુર્ય વણાતું હોય એને બદલે અંતર્મુખ અને સંયત નર્મ-મર્મનો તાર સ્પંદિત થતો રહેતો હોય એ બાબત લલિતનિબંધને હાસ્યનિબંધથી જુદો પાડે છે. ર.સો.