ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વક્રોક્તિસંપ્રદાય



વક્રોક્તિસંપ્રદાય : વક્રોક્તિસિદ્ધાન્તનાં બીજ ભામહમાં કે કદાચ ભરતમાં જણાય છે. પણ એનું પૂર્ણ સ્વરૂપ દસમી સદીના કુન્તકના वक्रोक्तिजीवित’ ગ્રન્થમાં સ્પષ્ટ થાય છે. પોતાના કાવ્યવિચારને કુન્તક કાશ્મીર શૈવદર્શનના પાયા ઉપર પ્રતિષ્ઠિત કરે છે. કાશ્મીર શૈવસિદ્ધાન્તમાં જગતના મૂળ કારણરૂપ પરમતત્ત્વ શિવમાં અભિન્ન રૂપે શક્તિ રહેલી છે. તેથી શક્તિના પરિસ્પન્દને કારણે નિર્વિકાર શિવમાં પણ અનેકાનેક સ્પંન્દનો થાય છે એને પરિણામે શિવ સૃષ્ટિના અનેકવિધ આકારોમાં વિલસી રહે છે. શિવશક્તિની જેમ કવિ અને પ્રતિભાશક્તિ પણ અભિન્ન છે. પ્રતિભાના પરિસ્પંદથીજ કાવ્યસૃષ્ટિમાં પ્રગટતું સમગ્ર છટાવૈવિધ્ય મયૂર-અણ્ડરસ-ન્યાયે કવિની પ્રતિભામાં પડેલું હોય છે. તેથી ‘કાવ્ય એટલે જ કવિનું કર્મ’ એવી વ્યુત્પત્તિસિદ્ધ અને દર્શનસિદ્ધ પ્રતિજ્ઞાથી આરંભ કરીને કાવ્યના એકેએક અંગને કુન્તક કવિપ્રતિભા – કવિવ્યાપાર – કવિકર્મમાંથી ફલિત થતું બતાવે છે. એ સ્પષ્ટતા કરે છે કે કાવ્યાંગોમાં આ અલંકાર અને આ અલંકાર્ય એવા ભેદો આપણે પાડીએ છીએ તે તો કેવળ કાવ્યતત્ત્વને સમજવા માટે જ ખપના છે. બાકી કાવ્ય તો અખંડ રૂપે જ પમાય. કુન્તકને અનુસરીને સમજાવીએ તો : વક્રોક્તિ એટલે વક્રઉક્તિ. પ્રસિદ્ધ લૌકિક કથન કરતાં જુદી ઉક્તિ. વૈદગ્ધ્ય અર્થાત્ કવિકર્મથી શોભતી ઉક્તિ. કવિકર્મકૌશલની છટાથી કરેલી ઉક્તિ, બીજી રીતે સમજાવીએ તો વ્યવહારનાં વાક્યો કરતાં કાવ્યની ઉક્તિ વિશિષ્ટ વક્ર બને છે, તે પોતાની આહ્લાદક છટાને કારણે. આ છટારૂપી વક્રતા કાવ્યમાં આવે છે કવિકર્મકૌશલને કારણે એટલે કવિકર્મકૌશલ જ ઉક્તિની વક્રતામાં પરિણમે છે. આનો ફલિતાર્થ એ કે છટાનું અસ્તિત્વ ઉક્તિથી જુદું હોઈ શકે નહિ. તેથી કાવ્યમાં ઉક્તિ અને વક્રતા, કાવ્ય અને છટા – કવિકર્મકૌશલ, અલંકાર્ય અને અલંકાર અભિન્નપણે સાથે જ સ્ફુરે છે અને કવિકર્મકૌશલ કાવ્યનો કાવ્યથી ચિત્રરેખાન્યાયે અભિન્ન-અભેદ્યપણે રહેલો પ્રાણ છે. આ વક્રતા શબ્દચયન અને પદના અંશથી માંડીને પ્રબંધ સુધી અનેકવિધ રૂપે પ્રગટે છે. કુન્તકે એના છ પ્રકાર ગણાવ્યા છે. ૧, વર્ણવિન્યાસવક્રતા : એમાં વર્ણયોજના, અનુપ્રાસ કે dictionનો સમાવેશ થાય છે, ૨, પદપૂર્વાર્ધવક્રતા : પદનો પ્રાતિપદિક કે ધાતુવાળો અંશ ૩, પદપરાર્ધવક્રતા : પદના પ્રત્યયનો અંશ પણ કવિકૌશલને કારણે આહ્લાદક નાવીન્ય ધારણ કરે છે. ૪, વાક્યવક્રતા : આમાં કુન્તક બધા અલંકારોનો સમાવેશ કરે છે. ૫, પ્રકરણવક્રતા : મૂળ કથાના કોઈક પ્રસંગોમાં કવિએ કશુંક ઉપકારક પરિવર્તન કર્યું હોય તે. ૬, પ્રબંધવક્રતા : કવિની સમગ્ર રચનામાંથી સ્ફુરતું તાત્પર્ય અથવા એક જ કથાને આધારે અનેકકવિઓએ રચના કરી હોય તેમાં દરેકની જે વિશેષતા જણાય તે. કાવ્યની સામાન્ય વ્યાખ્યા કુન્તક આમ આપે છે : વક્ર એવા કવિવ્યાપારથી શોભતા અને તદ્વિદોને આહ્લાદકારક બંધમાં ગોઠવાયેલ સહિતભાવથી જોડાયેલ શબ્દ અને અર્થ તે કાવ્ય. કેવળ શબ્દ કે કેવળ અર્થ સુંદર હોય તે ન ચાલે. બંને સુંદર જોઈએ. કાવ્યમાં વર્ણવાતા વસ્તુના ધર્મો તો અનેક હોય. પણ એમાંથી કાવ્યમાં તો એવો જ ધર્મ પ્રયોજાય જે પોતાના સ્ફુરણપરિસ્પંદમાત્રથી જ ભાવકને આહ્લાદ આપી શકે. વળી વર્ણ્યવસ્તુને માટેના પર્યાયશબ્દો પણ ઘણા હોય. પરંતુ એમાંથી યે કાવ્યમાં તો કેવળ એવો જ શબ્દ પસંદ કરાય જે પેલા આહ્લાદક વસ્તુધર્મરૂપી અર્થને તેના સમગ્ર ભાવસંદર્ભ સાથે પૂરેપૂરો વ્યક્ત કરવા સમર્થ હોય. આવા પરસ્પર અનુરૂપ શબ્દો અને અર્થોની ભાત પણ એવી રચાવી જોઇએ કે સમગ્ર બંધમાંનો દરેક શબ્દ બીજા શબ્દ જેટલો જ, દરેક અર્થ પણ બીજા અર્થ જેટલો જ સુંદર હોય. કાવ્યના સમગ્ર સૌન્દર્યને વ્યક્ત કરવામાં તેમાંનો દરેક શબ્દ બીજા શબ્દની, દરેક અર્થ બીજા અર્થની જાણે સ્પર્ધા કરતો હોય. આમ શબ્દો બીજા શબ્દો સાથે, અર્થો બીજા અર્થો સાથે અને બંને એકબીજા સાથે પણ પરસ્પર સ્પર્ધાભાવે અત્યંત સંતુલિત-સહિતભાવે જોડાયેલા હોય (તેથી તો એ સાહિત્ય કહેવાય છે) તો કાવ્યનો સમગ્ર બંધ સુન્દર બને. એકાદો શબ્દ કે અર્થ પણ પરસ્પરની અપેક્ષાએ સહેજ ઊણો ઊતરે તો આખા કાવ્યનો સમગ્ર આકાર જોખમાય. કાવ્યમાં ઉપયુક્ત શબ્દની વાત કરતાં કુન્તક કાવ્યસર્જનની પ્રક્રિયા પર સહેજ પ્રકાશ ફેંકે છે. કાવ્ય રચતી વેળાએ કવિના ચિત્તમાં અવર્ણનીય એવો કોઈ ભાવપરિસ્પંદ પ્રગટે છે અને એનાથી કવિનાં બધાં જ ઉપકરણો-ઉપાદાનો આચ્છાદિત બની જાય છે. કાવ્યમાં પ્રયોજાતા શબ્દો અને અર્થો, પદો અને પદાર્થો આમ તો વાસ્તવજગતનાં જ છે પણ કાવ્યમાં પ્રયોજાતી વેળાએ કવિપ્રતિભાના પેલા પરિસ્પંદથી આચ્છાદિત થઈને આવતાં હોવાથી પોતાનું લૌકિક સ્વરૂપ ત્યજી દઈને અલૌકિક બની રહે છે. એનો અર્થ એ થયો કે વસ્તુનું છે તેવું સ્વરૂપ – વસ્તુનો સ્વભાવ કાવ્યમાં કદી આલેખાતો નથી. સ્વભાવ તો અલંકાર્ય છે, ઉપાદાનસામગ્રી છે, એના ઉપર કવિવ્યાપારનો અલંકાર રચાય ત્યારે તે કાવ્ય બને છે એટલે કાવ્યમાં સ્વભાવોક્તિ જેવું કશું હોઈ શકે નહિ. આપણે એને સ્વભાવોક્તિ કહીએ છીએ કારણકે એ પ્રકારના આલેખનમાં વસ્તુનો સ્વભાવ જ પ્રધાનપણે દેખાયા કરે છે. બીજા અલંકારોમાં હોય તેવી કવિની કોઈ ઉક્તિછટાનો આમાં સ્પષ્ટ-અલગ રૂપે જણાતી નથી. કુન્તકનો અભિગમ તર્કશુદ્ધ છે. એ સ્વભાવોક્તિનો અલંકાર તરીકે સ્વતંત્ર રીતે સ્વીકાર નથી કરતા પણ વસ્તુનિરૂપણના સ્વાભાવિક પ્રકારમાં સમાવેશ કરે છે. વસ્તુનિરૂપણના કુન્તક બે પ્રકાર જણાવે છે. વક્રશબ્દો દ્વારા વર્ણ્યવસ્તુના સ્વાભાવિક રીતે જ મનોહર અંશો-ધર્મનું જેમાં આલેખન થયું હોય તે પહેલો પ્રકાર અને વસ્તુના લૌકિક સ્વભાવને દબાવી દઈને તેનું કોઈક પ્રકારના અતિશયથી-કોઈક વિશિષ્ટ છટાથી યુક્ત એવું, કવિકૌશલથી શોભતું અલૌકિક સ્વરૂપે કરેલું આલેખન તે વસ્તુનિરૂપણનો બીજો પ્રકાર. આ બીજા પ્રકારમાં પણ વર્ણ્યપદાર્થોને કવિ નવા નથી સર્જતો. જાણીતા લૌકિક પદાર્થોનું જ એ કેવળ કોઈક અતિશયિતઅલૌકિક રૂપે નિરૂપણ કરે છે. (આ વસ્તુનિરૂપણના આ બે પ્રકારોને સ્વાભાવિક અને અતિશયયુક્ત કહી શકાય.) વસ્તુનિરૂપણની સાથે કુન્તક કાવ્યના વર્ણ્યવિષયોનો પણ થોડોક વિચાર કરે છે. કાવ્યના વર્ણનીય વસ્તુના એ ચેતન (પશુ, પક્ષી, મનુષ્યાદિ) અને જડ (વૃક્ષો વગેરે) એવા બે વિભાગ કરે છે. ચેતનને વળી દેવમનુષ્યાદિના પ્રધાન અને પશુઆદિના ગૌણ એવા બે વિભાગોમાં વહેંચે છે. આમાં દેવાદિના સ્વરૂપનું રત્યાદિ સ્થાયીભાવોના પરિપોષથી મનોહર આલેખન તે જ કાવ્યમાં મુખ્ય છે. પશુ આદિ ગૌણ ચેતનોની સ્વાભાવિક ક્રિયાઓનું તેમજ વૃક્ષાદિ જડ પદાર્થોનું આલેખન રસોના ઉદ્દીપક તરીકે કાવ્યમાં યોજાય તો આકર્ષક બને. એટલે કુન્તકની યોજનામાં સ્થાયીભાવોનો પણ કાવ્યના વર્ણ્યવિષયમાં ઉપાદાનસામગ્રીમાં સમાવેશ થાય છે અને તેમાં એ દેવમનુષ્યાદિને અને રસોને કેન્દ્રમાં મૂકે છે. વળી રત્યાદિના પરિપોષની વાતમાં રસના ઉપચયવાદનો પુરસ્કાર થયો જણાય છે. આની સાથે રસવદ્ વગેરે અલંકારોનો પ્રશ્ન પણ સંકળાયેલો છે. રસનો જો ઉપાદાનસામગ્રીમાં સમાવેશ થાય તો રસવદ્ જેવો અલંકાર તાર્કિક દૃષ્ટિએ કે વ્યાકરણના નિયમોથી પણ સમજાવી શકાય નહિ. રસ પણ અલંકાર્ય છે અલંકાર નથી. આ બે નિરૂપણ પ્રકારોને અનુક્રમે કુન્તકના સુકુમાર અને વિચિત્ર માર્ગો સાથે સાંકળી શકાય. (કુન્તક ત્રીજો મધ્યમ માર્ગ પણ આપે છે. પરંતુ એમાં સુકુમાર અને વિચિત્રનાં જ લક્ષણો સમન્વિત રૂપે છે. એટલે સ્પષ્ટ ભેદ તો સુકુમાર અને વિચિત્ર માર્ગો વચ્ચે જ છે.) જે રચનાની સુંદરતામાં બીજા કશાનું નહિ પણ કવિની સહજ પ્રતિભાનું પ્રાધાન્ય જણાય તે કાવ્યરચનાનો સુકુમાર માર્ગ. શબ્દ, અર્થ અલંકાર, વસ્તુસંવિધાન, રસાલેખન બધાંની રચનામાં સૌન્દર્ય આણવાનો કવિનો સમાન પ્રયત્ન જેમાં સ્પષ્ટ જણાય, પ્રતિભા તો હોય જ પણ કવિની વ્યુત્પત્તિ જ્યાં કાવ્યનિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવતી જણાય તે વિચિત્ર માર્ગ. મધ્યમ માર્ગમાં આ બંનેનાં લક્ષણોનો સમન્વય જણાય. માર્ગભેદને કુન્તક કવિના સ્વભાવભેદમાં આરોપે છે. કાવ્યરચનાના હેતુ છે પ્રતિભા અને વ્યુત્પત્તિ. જેવો કવિનો સ્વભાવ તેવી તેની સુકુમાર કે વિચિત્ર કે ઉભયલક્ષણા પ્રતિભા, તેવી જ તે વ્યુત્પત્તિ કેળવશે. તેથી કવિનો સ્વભાવ, પ્રતિભા વ્યુત્પત્તિ બધું જ પરસ્પર અનુરૂપ રીતે વિકસીને તેવા જ માર્ગે કવિને કાવ્ય રચવા પ્રેરશે. ત્રણ માર્ગોની સાથે કુન્તક તેમના ગુણો પણ વર્ણવે છે. વામનાદિ દસ અને ધ્વનિકારાદિ ત્રણ ગુણો આપે છે, જ્યારે કુન્તકે આપેલા ગુણો છ છે : માધુર્ય, પ્રસાદ, લાવણ્ય, આભિજાત્ય, ઔચિત્ય અને સૌભાગ્ય. આગલા ચારનાં લક્ષણ માર્ગ અનુસાર બદલાય છે. (તેમાંય સ્પષ્ટ ભેદ તો સુકુમાર વિચિત્રના જ, મધ્યમ તો સમન્વિત સ્વરૂપનો છે.) જ્યારે પાછલા બેનાં લક્ષણ કાવ્યમાત્રમાં સમાન છે. માધુર્ય પદયોજનાનો ગુણ છે. થોડાક સમાસોવાળી મનોહર પદયોજના સકુમારનો અને અશિથિલ બંધવાળી કવિકૌશલથી ઓપતી પદયોજના વિચિત્ર માર્ગનો ગુણ છે. અર્થવ્યક્તિનો ગુણ છે પ્રસાદ : રસવક્રકોક્તિ આદિ રહસ્યો વિના ક્લેશે વ્યક્ત થાય તે સુકુમારનો અને ઓજસ્ના સ્પર્શવાળો, અર્થસમર્પક અવાન્તર વાક્યો ગૂંથાતાં જાય તે વિચિત્રનો પ્રસાદગુણ. લાવણ્ય પદબન્ધનો ગુણ છે. સુકુમારમાં વર્ણસૌન્દર્યવાળાં થોડાંક પદોની યોજનાથી કે વિચિત્રમાં પદોની ગાઢ ગૂંથણીથી બંધનું સૌન્દર્ય રચાય તે લાવણ્ય. આભિજાત્ય કાવ્યમાં નિરૂપાયેલા વસ્તુસ્વભાવનો ગુણ છે : સુકુમારમાં સ્વભાવની સ્નિગ્ધ છાયા ચિત્તસ્પર્શી લાગે તો વિચિત્રમાં સ્વભાવ કવિપ્રૌઢિથી બહુ કોમળ નહીં, બહુ કઠોર નહીં એવો જણાય. ઔચિત્ય કાવ્યાંગોના પરસ્પર સંબંધનો ગુણ છે : કાવ્યમાત્રમાં વસ્તુનો સ્વભાવ જેનાથી પોષાય તે ઔચિત્ય. અથવા વક્તા પોતાના અનુભવને અનુરૂપ રીતે વસ્તુને રજૂ કરે તે, કાવ્યવસ્તુના અભિપ્રેત સ્વભાવના આલેખનને અનુરૂપ થાય, તેને પોષે તેવા બધાજ – શબ્દચયનથી કાવ્યબંધ સુધીના – ઉપાયોનો ગુણ તે ઔચિત્ય. સૌભાગ્ય સહૃદયાહ્લાદક્ષમતાનો ગુણ છે : જેને માટે કવિપ્રતિભા શબ્દાદિ ઉપાદેયસમૂહમાં પ્રવૃત્ત થાય તે ગુણ, કાવ્યનો કાવ્યત્વ સિદ્ધ થવાનો, સહૃદયોને ચમત્કાર કરાવવાની ક્ષમતા હોવાનો ગુણ છે સૌભાગ્ય. એ માત્ર પ્રતિભાપ્રવૃત્ત થવાથી નહિ, પણ સમગ્ર કાવ્યાંગોની દોષરહિત સંવાદિતામાંથી નિષ્પન્ન થાય છે. વક્રોક્તિસિદ્ધાન્ત એક દૃષ્ટિએ અલંકારસિદ્ધાન્તનો જ તાર્કિક વિસ્તાર છે. વક્રતા તે જ કાવ્યનો અલંકાર. ઉપરાંત અલંકારમાત્રના મૂળમાં ઉક્તિની કોઈક અતિશયતા-વક્રતા રહેલી છે, એ ખ્યાલ તેમજ મૂલત : કાવ્યની વ્યાખ્યા પણ ભામહ-કુન્તકમાં સરખી છે. વામનની વૈદર્ભી આદિ રીતિઓને કુન્તકે સ્વીકારી નથી, કેમકે કાવ્યને પ્રાદેશિકતા સાથે કશો સંબંધ નથી. કાવ્યના હેતુરૂપ પ્રતિભા અને વ્યુત્પત્તિ કોઈ પ્રદેશમાં નિયત નથી છતાં ‘રીતિ’ અને ‘માર્ગ’ એ શબ્દો પર્યાયો છે. રીતિ-વક્રોક્તિમાં કેટલુંક મૂલગત સામ્ય પણ છે. પદરચનાની વિશિષ્ટતા-વક્રતા તે રીતિ. રીતિ અને વક્રતા બંને કાવ્યભેદમાં ચિત્રરેખાન્યાયે અભિન્નપણે રહેલાં છે. વામનના શબ્દગુણો કુન્તકના માધુર્યમાં, અર્થગુણો પ્રસાદમાં અને રીતિ લાવણ્યમાં સમાવિષ્ટ થયેલાં છે. એક રીતે વામનના આખા ગુણસિદ્ધાન્તમાં કવિકર્મનો જ વિસ્તાર-વિચાર થયેલો છે. આમ, કવિકર્મને જ લક્ષમાં રાખીને, કવિપક્ષથી જ કાવ્યનાં સમગ્ર અંગોની તપાસ અને પુનર્યોજના કરનાર, સંસ્કૃત અલંકારશાસ્ત્રના આખા ઇતિહાસમાં કુન્તક એકલો જ છે. વળી, કાવ્યના એ કોઈ ઉચ્ચાવચ ભેદો નથી પાડતો. કેવળ કાવ્યતત્ત્વની જ મીમાંસા કરે છે. રા.ના.