ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાસ્તવવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘વાસ્તવવાદ’(Realism)'''</span> : ઓગણીસમી સદીમાં યુરોપી...")
 
No edit summary
 
Line 14: Line 14:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વાસરી
|next = વાસ્તવસિદ્ધાન્ત
}}

Latest revision as of 09:52, 3 December 2021



‘વાસ્તવવાદ’(Realism) : ઓગણીસમી સદીમાં યુરોપીય સાહિત્યમાં પ્રભાવક બનેલો વાદ. યુરોપીય ફિલસૂફીમાં તો એ ઘણા સમયથી પ્રચલિત હતો. પદાર્થ નહીં, પણ પદાર્થની વિભાવના(idea) વાસ્તવિક છે એ અર્થમાં પહેલાં તે જાણીતો હતો, અને પછીથી પદાર્થનું એના જ્ઞેય રૂપથી સ્વતંત્ર અસ્તિત્વ છે એ અર્થમાં તે જાણીતો બન્યો. વિજ્ઞાનના વર્ચસ્વ તથા ઉદ્યોગીકરણને લીધે ઓગણીસમી સદીમાં ફ્રાન્સમાં ચિત્રકળા અને સાહિત્યમાં ‘વાસ્તવવાદ’ સંજ્ઞા પહેલી વખત પ્રચલિત થઈ ત્યારે ‘વસ્તુનું યથાર્થ નિરૂપણ’ એ અર્થમાં તે વપરાઈ હતી. આથી ‘યથાર્થવાદ’ તરીકે પણ આ વાદ ઓળખાય છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેન્ચ સાહિત્યમાં વાસ્તવવાદ એની કેટલીક લાક્ષણિકતાઓ સાથે એક પ્રભાવક આંદોલન રૂપે ઊપસી આવ્યો. રાજાઓ, સુભટો કે ઉમરાવોના જીવન સાથે સંબંધિત, નાયકનાં અસાધારણ સાહસ પરાક્રમો તથા તેમના રૂપવતી યૌવનાઓ સાથેના પ્રેમસંબંધોને આલેખતી જે કાલ્પનિક રોમાન્સકથાઓ વાગ્મિતાવાળી શૈલીમાં રચાતી તેને બદલે સમસામયિક બૂર્ઝવાસમાજના સાધારણ માનવીઓના રોજિંદા જીવનમાં બનતી સામાન્ય ઘટનાઓને, કલ્પના કે આદર્શનો ઢોળ ચડાવ્યા વગર, આલેખાતી જે નવલકથાઓ ને વાર્તાઓ રચાઈ તે વાસ્તવવાદી કૃતિઓ તરીકે ઓળખાઈ. ફ્રેન્ચમાં સ્ટેન્ધાલ, બાલ્ણક, ફ્લોબેર, મોપાસાં, ઝોલા ઇત્યાદિ, અંગ્રેજીમાં જ્યૉર્જ એલિયટ તથા રશિયનમાં તોલ્સ્તોય વગેરે વાસ્તવવાદી સર્જકો ગણાય છે. કવિતા અને નાટકમાં વાસ્તવવાદ વિશેષ પ્રભાવક બન્યો નહીં. જો કે ઇબ્સન, શૉ જેવા નાટ્યકારો વાસ્તવવાદી ગણાય છે. આ સર્જકોની કૃતિઓ પરથી વાસ્તવવાદી સાહિત્યનાં અન્ય લક્ષણો પણ તારવવામાં આવ્યાં : ઇન્દ્રિયપ્રત્યક્ષથી વિશ્વનું સૂક્ષ્મ આલેખન, સ્વપ્ન, દિવાસ્વપ્ન કે કોઈપણ અપ્રાકૃતિક સત્ત્વો તરફ અરુચિ, કલ્પના કરતાં તર્કગમ્ય સત્યનો સ્વીકાર, સર્જકની રુચિ-અરુચિને કૃતિથી અળગી રાખી વસ્તુનું વૈજ્ઞાનિક ઢબે તટસ્થ પ્રતિબિંબ ઝીલવાનો આગ્રહ તથા વાગ્મિતાયુક્ત ભાષાને બદલે બોલચાલની રોજિંદી ભાષાનો આશ્રય લેવાનું વલણ વગેરે. વીસમી સદીનાં આધુનિકતાવાદી આંદોલનોએ વાસ્તવવાદની ઘણી માન્યતાઓનો વિરોધ કર્યો, પરંતુ વાસ્તવવાદ સાહિત્યમાંથી ભૂંસાઈ ન ગયો. આધુનિકતાવાદની ઘણી અસર ઝીલી તેણે પોતાનો મૂળ ચહેરો ઘણો બદલ્યો. વસ્તુનું તટસ્થ રીતે યથાતથ આલેખન ગમે તેટલું કરીએ છતાં સર્જકની આત્મલક્ષિતા તો એમાં પ્રવેશે, સર્જનમાં કલ્પનાનો વ્યાપાર પણ ચાલે છે. એવી વાતો વાસ્તવવાદે સ્વીકારી. વસ્તુનું કોઈ એક નિશ્ચિત રૂપ નથી, સર્જક પોતાની કલ્પનાથી વસ્તુનાં અનેક રૂપો પ્રગટ કરે, કલાકૃતિમાં વસ્તુનું યથાતથ પ્રતિબિંબ નહીં, એનો આભાસ જ હોય છે. આવા વિચારો સાથે વીસમી સદીમાં રચાયેલી વાસ્તવવાદી કૃતિઓ ઓગણીસમી સદીની વાસ્તવવાદી કૃતિઓ કરતાં ઘણી જુદી પડી ગઈ. હેન્રી જેમ્સ, જ્હોન સ્ટાઈનબેક, ગ્રેહામ ગ્રીન ઇત્યાદિની કૃતિઓના વાસ્તવવાદને એટલા માટે આલોચનાત્મક વાસ્તવવાદ(Critical Realism) તરીકે ઓળખવામાં આવે છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં પાત્રોના અચેતન માનસમાં ચાલતા વ્યાપારોને આલેખતી નવલકથાઓ વર્જિનિયા વુલ્ફ, જેમ્સ જોય્સ, વિલિયમ ફોકનર ઇત્યાદિએ લખી તેમાં પણ અચેતન મનના વ્યાપારોને યથાતથ આલેખવાનો આગ્રહ દેખાય છે, અને તેથી એમાં આલેખાયેલા વાસ્તવને ચૈતસિક વાસ્તવવાદ (Psychological Realism) તરીકે ઓળખવામાં આવે છે. માર્ક્સવાદી ચિંતનથી પ્રભાવિત વાસ્તવવાદી સર્જકો સમાજવાદી સમાજ તરફ લઈ જતા વાસ્તવને આલેખતી કૃતિઓ રચે છે ત્યારે એવી કૃતિઓમાં વ્યક્ત થયેલા વાસ્તવને સમાજલક્ષી વાસ્તવવાદ(Socialistic Realism) તરીકે ઓળખવામાં આવે છે. ફ્રાન્સમાં રૉબ-ગ્રિયેં, નાતાલી સૉરોત જેવા નવલકથાકારો વસ્તુજગત તરફ જોવાનો એક જુદો દૃષ્ટિકોણ લઈને આવે છે. વસ્તુજગતને મનુષ્યે પોતાની ઇચ્છાઓ, માન્યતાઓ ઇત્યાદિથી રંગી નાખ્યું છે. વસ્તુજગતને માનવએષણાઓથી રંગ્યા વગર ‘એ છે (It is there)’ એ રીતે જોવામાં એમને રસ છે. આમ, વસ્તુજગત તરફ જોવાના બદલાતા અભિગમોને લીધે ‘વાસ્તવવાદ’ સંજ્ઞા એકથી વધુ અર્થોની વાહક બની છે. આને કારણે એને ઐતિહાસિક સંજ્ઞા તરીકે જોવામાં વિશેષ ઔચિત્ય હોવાનું મનાયું છે. ‘વાસ્તવવાદ’ સંજ્ઞા વસ્તુનું સ્વાભાવિક લાગે એવું નિરૂપણ કરનારી એક શૈલી એવા વ્યાપાક અર્થમાં પણ પ્રયોજાય છે. જ.ગા.