ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિક્રમોર્વશીય


વિક્રમોર્વશીય : વિક્રમોર્વશીયમાં કાલિદાસ ઇતિહાસમાંથી પુરાણ તરફ વળે છે અને રાજા પુરુરવા તેમજ સ્વર્ગની અપ્સરા ઉર્વશીના પ્રણયથી ઋગ્વેદના કાળથી પ્રચલિત કથાને પાંચ અંકમાં ઢાળીને, એક ‘અપૂર્વ’ નાટક સંસ્કૃત સાહિત્યને અર્પે છે. પુરુરવા પોતાના વિક્રમથી ઉર્વશીને પ્રાપ્ત કરે છે. એ હકીકત નાટકના શીર્ષકમાંથી તો સૂચવાય છે પણ સાથે સાથે નાટ્યકારે પોતાના આશ્રયદાતા રાજવી વિક્રમાદિત્ય પહેલાનો પણ ઉલ્લેખ શીર્ષક, તેમજ નાટકમાં અન્યત્ર ગૂંથી લીધો છે. પૃથ્વીના રાજવી પુરુરવા અને સ્વર્ગની અપ્સરા ઉર્વશીના પ્રણયપ્રસંગોમાં રાણી ઔશિનરી વિઘ્નરૂપ જણાય છે. એટલેકે, પ્રણયત્રિકોણનું કથાઘટક માલવિકાગ્નિમિત્રની જેમ અહીં પ્રયોજાયેલું છે. માલવિકાગ્નિ-મિત્રમાં વિદૂષક એક સફળ યુક્તિબાજ હતો, પણ અહીં છબરડાઓ વાળીને, રાજાને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકી દેનારું પાત્ર છે. ટૂંકમાં અહીં વિદૂષકનું મહત્ત્વ ઘટ્યું છે. પૌરાણિક વાતાવરણની પૃષ્ઠભૂમિમાં નાટક રચાયું હોવાથી અતિપ્રાકૃત તત્ત્વોનો પણ, ઠીક ઠીક ઉપયોગ નાટકમાં થયો છે. પુરુરવાની ગતિ આકાશમાં પણ છે; ઉર્વશી સ્ત્રીઓને નિષિદ્ધ એવા વનમાં પ્રવેશી જતાં વેલીમાં પરિવર્તન પામે છે, સંગમનીય મણિના સંપર્કથી ફરી મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ઉર્વશીના પુત્રનું રાજાને મુખદર્શન થતાં, રાજાને ઉર્વશીથી વિરહ આવી પડતાં, સ્વર્ગમાંથી નારદ ઇન્દ્રનો સંદેશો લાવીને, ઝળૂંબતા વિયોગને દૂર કરે છે. આ છેલ્લી ઘટનામાં, નારદનો ઉપયોગ, અટવાઈને થંભી ગયેલા કથાનકને આગળ વધારવામાં દૈવી હસ્તક્ષેપ સમાન જણાય. એકપાત્રીય ચોથા અંકની કવિતા સંસ્કૃત કાવ્યસાહિત્યની સંપદા છે. કાલિદાસની સ્વાભાવિક જીવંત સંવાદો પ્રયોજવાની સૂઝ, ભાષાની હૃદયંગમ પ્રાસાદિકતા, નાટકમાં વર્તાઈ આવતી અર્ધદૈવી પાત્રોના માનવીયકરણમાં રહેલી નાટ્યાત્મકતા વગેરેથી વિક્રમોર્વશીય એક વિશિષ્ટ નાટક બન્યું છે. વિ.પં.