ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિચલન


વિચલન(Deviation) : કવિ વ્યાકરણની ભીતર પ્રતિવ્યાકરણનાં તત્ત્વોને દાખલ કરે છે, એને કારણે વિચલિત વાક્યો સંસર્જે છે અને એમ એની સર્જકતા ભાષકની સર્જકતાથી જુદી પડે છે. પ્રતિવ્યાકરણતત્ત્વોથી તૈયાર થયેલી વિચલનઉક્તિ ભાવકનો વિશેષ પ્રકારનો પ્રતિભાવ માગે છે અને એને કારણે વિચલન ઉક્તિ દ્વારા શું કહેવાય છે એ ગૌણ બની જાય છે અને ખુદ વિચલન-ઉક્તિ જ ધ્યાનનું મુખ્ય કેન્દ્ર બની રહે છે. ભાષાવિદ લેવિને તો વિચલનને કવિતાના સ્વરૂપનો વિશેષ ધર્મ માન્યો છે. લેવિન વિચલનને બે પ્રકારમાં સમજાવે છે : આંતરવિચલન (Internal deviation) અને બાહ્ય વિચલન(external deviation). આંતરવિચલન એવું છે જે સમગ્ર કવિતાની ભૂમિકા પડછે થાય છે, જેમાં કવિતાનો શેષભાગ તે એનું ધોરણ (Norm) બને છે. બાહ્ય વિચલન એવું છે જેને કવિતાની બહાર રહેલા ધોરણને આધારે સમજાવી શકાય છે. ચં.ટો.